મોરબી: યુવાનોને પોતાના વિચારો અને અભિપ્રાય વ્યક્ત કરવા માટે મંચ પૂરો પાડવાના હેતુથી ભારતીય વિચાર મંચ દ્વારા મોરબીના સંસ્કાર બ્લડ બેંક હોલ ખાતે ‘યુવા મંચ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્ર સાથે જોડાયેલા યુવા વક્તાઓએ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેને ઉપસ્થિત લોકોએ રસપૂર્વક માણ્યા હતા.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કાર્યક્રમની સંકલ્પના, વિષયોની પસંદગી તેમજ યુવા વક્તાઓની પ્રસ્તુતિને બિરદાવી હતી. આ પ્રસંગે ડો. જયંતિભાઈ ભાડેસિયાએ યુવાનોને સંબોધતા પોતાના મૂળ અને સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા તેમજ જીવનભર શીખવાની ભાવના જાળવી રાખવા પર ભાર મૂક્યો હતો. તેમણે જિજ્ઞાસુ બનીને સતત નવું શીખતા રહેવા અને કોઈપણ ક્ષેત્રમાં સમર્પણ તથા સાતત્ય સાથે કાર્ય કરવાની પ્રેરણા આપી હતી. તેમણે બુદ્ધિ, ભાવના અને પરિશ્રમના સમન્વયથી કાર્ય કરવાની હાકલ પણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન CA, MBBS, BTech, શિક્ષણ સહિતના વિવિધ વ્યવસાય અને ક્ષેત્ર સાથે સંકળાયેલા યુવા વક્તાઓ વિસ્મય ત્રિવેદી, રાહુલ જીંજુવાડિયા, દિશા ધામેચા, બંસી મીરાણી, ભવ્ય બોપલિયા, વિધિ પંડ્યા, અંશ ચાવડા, અવની વાઢેર, જીજ્ઞેશ બારૈયા, મુગ્ધરાજસિંહ ઝાલા અને કાવ્યન કાલરીયાએ વિવિધ વિષયો પર પોતાની આગવી શૈલીમાં વક્તવ્ય આપ્યું હતું.

કાર્યક્રમના અંતે તમામ યુવા વક્તાઓને સ્મૃતિચિહ્ન અને પુસ્તક અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભારતીય વિચાર મંચના અધ્યક્ષ દિલીપભાઈ સુરાણી, મંત્રી પાર્થભાઈ શેરશિયા, ઉપાધ્યક્ષ જશવંતભાઈ મીરાણી, સહમંત્રી શૈલેષભાઈ કાલરીયા સહિત મિલનભાઈ પૈડા, ચિરાગભાઈ આદ્રોજા, મનીષભાઈ જાની, ઉમેશભાઈ પટેલ, જય પંડ્યા, રવીન્દ્રભાઈ ત્રિવેદી અને ડો. સુનિલ સંઘાણી સહિતના કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમનું સંચાલન તીર્થ ત્રિવેદી અને રવિભાઈ ઝાલાએ કર્યું હતું. આ પ્રસંગે બહોળી સંખ્યામાં પ્રબુદ્ધજનો ઉપસ્થિત રહ્યા હતા અને યુવા વક્તાઓની પ્રસ્તુતિ તથા સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો.


