મોરબી જિલ્લાના ખાનપર ગામ ખાતે આવેલી ખાનપર કુમાર પ્રાથમિક શાળામાં તા. 8 ઓગસ્ટ, શનિવારના રોજ બેગલેસ ડેની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓ માટે વિવિધ મનોરંજક અને રમતગમતની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓમાં ઉત્સાહ અને આનંદ વધે તે માટે વાંદરાની પૂંછડી ખેંચ, સંગીત ખુરશી, ફુગ્ગા ફોડ, પેન્સિલ-બોટલ, લીંબુ-ચમચી, લોટ ફૂંકણી, કોથળા દોડ અને ત્રિપગી દોડ જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. દરેક સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા બનેલા વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરવામાં આવશે.
રમતગમતના આ સમગ્ર કાર્યક્રમના આયોજન અને માર્ગદર્શન બદલ શાળાના આચાર્ય ઈશ્વરલાલ કે. સાવરિયાએ શાળામાં ફરજ બજાવતા શિક્ષકો ચિકાણી રમણિકલાલ, દેવમુરારી હિનાબેન, દલસાણિયા મીનાક્ષીબેન, ડૉ. જલ્પાબેન ફુલતરિયા, રાજપરા ભગવતીબેન, સરડવા ભૂમિકાબેન તથા વિરડા ભાવનાબેનને અભિનંદન પાઠવ્યા હતા.
આ દિવસ શાળાની શિક્ષિકા ડૉ. જલ્પાબેન ફુલતરિયાનો જન્મદિવસ હોવાથી તેમના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે બાલવાટિકા તેમજ ધોરણ 1થી 8 સુધીના કુલ 235 વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ ભેટમાં આપવામાં આવી હતી.
તેમજ આ પ્રસંગે મૂળ ખાનપર ગામના વતની અને હાલ મોરબીમાં શ્રી શક્તિ મેડિકલ સ્ટોર, ગાંધીચોક ખાતે વ્યવસાય કરતા ઘનશ્યામસિંહ જાડેજા તરફથી શાળાને આશરે 1,000થી 1,100 નંગ શૈક્ષણિક વસ્તુઓ દાનમાં આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસમાં ઉપયોગી બને તેવી સામગ્રી દાનમાં આપવા બદલ શાળાના આચાર્ય સહિત સમગ્ર શાળા પરિવારે ઘનશ્યામસિંહ જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો.

