જગતના તાતને તેના પરિશ્રમનું સાચું અને પોષણક્ષમ મૂલ્ય મળી રહે તે માટે કટિબદ્ધ સરકારની લઘુતમ ટેકાના ભાવ (MSP)ની નીતિ મોરબી જિલ્લાના ખેડૂતો માટે આર્થિક સમૃદ્ધિ માટે પ્રેરકબળ બની રહી છે. વર્ષ 2026-27ની વર્તમાન સીઝનમાં ખુલ્લા બજારના સરખામણીએ ખેડૂતોને આર્થિક નુકસાન ન જાય તેવા ઉમદા હેતુથી સરકારે ઘઉંની ખરીદી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 2,585નો ભાવ નિયત કર્યો હતો. આ ખરીદી પ્રક્રિયામાં મોરબી જિલ્લાના નાના એવા ટંકારા તાલુકાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં 61,949 ક્વિન્ટલ ઘઉંના મબલખ જથ્થા સાથે પ્રથમ ક્રમ હાસિલ કરીને કૃષિ ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. આ સાથે જ, મોરબી જિલ્લો અસ્તિત્વમાં આવ્યા બાદ અત્યાર સુધીની સૌથી મોટી વિક્રમી ખરીદી નોંધાવતા, કુલ 77,450 ક્વિન્ટલ ઘઉંના સંપાદન સાથે સમગ્ર રાજ્યમાં ગૌરવપૂર્ણ છઠ્ઠું સ્થાન મેળવીને કૃષિ કલ્યાણનો નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
આ ભગીરથ કાર્યને સફળ બનાવવા મોરબી જિલ્લામાં કુલ 4,705 ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી. મોરબી જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ પુરવઠા વિભાગ દ્વારા ચોમાસાના સંભવિત વરસાદ પૂર્વે ખેડૂતોનો કિંમતી પાક સુરક્ષિત રીતે ખરીદી શકાય તે માટે સમયસર એસ.એમ.એસ. (SMS) મોકલીને સુદ્રઢ આયોજન હાથ ધરાયું હતું. જેના પરિણામે, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં સારી એવી ખરીદી નોંધાઈ છે.
આ વિશે માહિતી આપતા મોરબી જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે, અગ્રેસર રહેલા ટંકારા તાલુકામાં 61,949 ક્વિન્ટલ (1,23,898 કટ્ટા)ની ખરીદી કરી ખેડૂતોને રૂ. 1,601 લાખથી વધુની માતબર રકમ ચૂકવાઈ છે. આ ઉપરાંત, મોરબી તાલુકામાં 5792.5 ક્વિન્ટલ (11,585 કટ્ટા) સામે રૂ. 149.74 લાખ, વાંકાનેર તાલુકામાં 6461 ક્વિન્ટલ (12,922 કટ્ટા) સામે રૂ. 167.02 લાખ, હળવદ તાલુકામાં 2968 ક્વિન્ટલ (5936 કટ્ટા) સામે રૂ. 76.72 લાખ તેમજ માળિયા તાલુકામાં 279.5 (ક્વિન્ટલ 559 કટ્ટા)ની ખરીદી કરી ટેકાના ભાવ રૂપે રૂ. 7.23 લાખથી વધુની રકમ સીધી જ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. સમગ્ર મોરબી જિલ્લામાં સરવાળે કુલ 77,450 ક્વિન્ટલ (1,54,900 કટ્ટા) ઘઉંની વિક્રમી ખરીદી કરીને જિલ્લાના કિસાનોને સામૂહિક રીતે રૂ. 20.02 કરોડથી વધુની મબલખ રકમ ચૂકવી દેવામાં આવી છે.
સરકારના આ હકારાત્મક અને લોકાભિમુખ અભિગમને કારણે ખુલ્લા બજારના ઉતાર-ચડાવ સામે ધરતીપુત્રોને મજબૂત કવચ મળ્યું છે. ટંકારા પંથક સહિત સમગ્ર મોરબી જિલ્લાના ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડતી ટેકાના ભાવે ઘઉંની ખરીદ પ્રક્રિયાના સુચારુ સંચાલન અને સરકારની કલ્યાણકારી નીતિઓના લીધે જ શક્ય બની છે.

