વાંકાનેર તાલુકા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે નાણાં ધિરાણ આપી પઠાણી ઉઘરાણી કરતા ત્રણ શખ્સો સામે પોલીસે મની લેન્ડિંગ એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ફરિયાદી લેબર કોન્ટ્રાક્ટર તરીકે કામ કરે છે. મજૂરોને ચૂકવણી કરવા તેમજ પોતાના ભાઈની સારવાર માટે નાણાંની જરૂરિયાત ઉભી થતાં તેમણે અલગ-અલગ વ્યક્તિઓ પાસેથી ભારે વ્યાજદરે રકમ ઉછીની લીધી હતી. આરોપી અજયભાઈ પાસેથી રૂ. 3 લાખ, બીજલભાઈ પાસેથી રૂ. 1.50 લાખ અને હિતેશભાઈ પાસેથી પત્નીના બેંકમાં ગીરવે મુકાયેલા આશરે સાડા ત્રણ તોલા સોનાના દાગીના છોડાવવા રૂ. 3.56 લાખ લીધા હતા.
ફરિયાદીનો આક્ષેપ છે કે, તમામ મુદલ અને વ્યાજની રકમ ચૂકવી દેવા છતાં આરોપીઓએ વધુ નાણાંની માંગણી કરી હતી. અજયભાઈએ બળજબરીપૂર્વક રૂ. 5 લાખ પડાવી લીધા હતા, જ્યારે બીજલભાઈએ ફરિયાદીનું GJ-36-BC-0783 નંબરનું મોટરસાયકલ કબજે કરી લીધું હતું. ઉપરાંત હિતેશભાઈએ ફરિયાદીની પત્નીના સાડા ત્રણ તોલાના સોનાના દાગીના પોતાના કબજામાં રાખ્યા હતા. આ ફરિયાદના આધારે વાંકાનેર તાલુકા પોલીસે અજયભાઈ રમેશભાઈ અબાણીયા (રહે. સતાવીરડા), બીજલભાઈ ઉર્ફે ભોજાભાઈ બેચરભાઈ ગીંગોરા (રહે. લાકડધાર) અને હિતેશભાઈ મગનભાઈ કકાસણીયા (રહે. રવાપર રોડ, મોરબી) સામે ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી ફરિયાદીનું મોટરસાયકલ તથા GJ-36-AJ-6096 નંબરની સ્વિફ્ટ કાર કબજે કરી છે. સાથે જ અન્ય ગીરવે મુકાયેલા સોનાના દાગીના અને સંબંધિત મુદ્દામાલ મેળવવા માટે આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

