સુરત શહેર પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાથ ધરાયેલી 24 કલાકની વિશેષ મની રિસ્ટોરેશન મોડ્યુલ (MRM) ડ્રાઇવમાં નોંધપાત્ર સફળતા મળી છે. આ અભિયાન દરમિયાન સાયબર ઠગાઈના ભોગ બનેલા 1,067 પીડિતોનો સંપર્ક કરી તેમની પાસેથી કુલ 1,915 MRM અરજીઓ ઓનલાઈન સબમિટ કરાવવામાં આવી હતી. જેના પરિણામે ₹1.26 કરોડની ફ્રીઝ થયેલી રકમ પીડિતોને પરત અપાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા મની રિસ્ટોરેશન મોડ્યુલ (MRM) પોર્ટલનો લાભ વધુમાં વધુ પીડિતો સુધી પહોંચે તે માટે સુરત પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ બ્રાન્ચે શહેરના તમામ ઝોનના ડીસીપી, પોલીસ સ્ટેશનના અધિકારીઓ તેમજ સાયબર ક્રાઇમ સ્ટાફ સાથે સંકલન કરી વિશેષ તાલીમ અને જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. ત્યારબાદ માત્ર 24 કલાકમાં આ વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
સાયબર ઠગાઈના કેસમાં 1930 હેલ્પલાઇન અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવ્યા બાદ જે પીડિતોના બેંક ખાતામાંથી ફ્રોડની રકમ ફ્રીઝ કરવામાં આવી હોય તેઓ MRM પોર્ટલ મારફતે રકમ પરત મેળવવા માટે ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી માટે NCRP એકનોલેજમેન્ટ નંબર, નોંધાયેલ મોબાઇલ નંબર, બેંક ખાતાની વિગતો તથા ફ્રીઝ થયેલી રકમની માહિતી જરૂરી રહેશે. અરજી કરવામાં કોઈ મુશ્કેલી જણાય તો નજીકના પોલીસ સ્ટેશનના સાયબર ક્રાઇમ કર્મચારીઓ તરફથી સંપૂર્ણ મદદ આપવામાં આવશે.
સુરત શહેર પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે નાણાકીય સાયબર ઠગાઈનો ભોગ બનતા જ તાત્કાલિક 1930 સાયબર હેલ્પલાઇન પર સંપર્ક કરે અથવા નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ પર ફરિયાદ નોંધાવે. સમયસર ફરિયાદ નોંધાવવાથી ઠગાઈની રકમ ફ્રીઝ થવાની અને પરત મળવાની શક્યતા નોંધપાત્ર રીતે વધી જાય છે.

