મોરબી શહેરના દલવાડી સર્કલ વિસ્તારમાં રહેતા અને મૂળ ખાનપર ઘુનડા ગામના સિરામિક ટાઇલ્સના વેપારી સાથે વ્યાજખોરી અને ધમકી આપવાના બનાવની ફરિયાદ નોંધાઈ છે.
માહિતી મુજબ, ફરિયાદી ભરતભાઈ પ્રભુભાઈ ઘોડાસરાએ વર્ષ 2022 દરમિયાન પોતાના વ્યવસાય માટે દલવાડી સર્કલ વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ મેપાભાઈ પીઠમલ પાસેથી 8 ટકા વ્યાજે રૂ. 1 લાખ લીધા હતા. લોનની સામે આરોપીએ રૂ. 3 લાખનું નોટરી દસ્તાવેજ તૈયાર કરાવી તેમજ ત્રણ કોરા ચેક પોતાના કબજામાં લઈ લીધા હતા.
ફરિયાદ અનુસાર વેપારીએ વ્યાજ અને દંડ સહિત અત્યાર સુધીમાં કુલ રૂ. 4,88,000 જેટલી રકમ ચૂકવી હોવા છતાં આરોપી વધુ નાણાંની માંગણી કરતો રહ્યો હતો. આરોપીએ વધુ રકમ વસૂલવા માટે ફરિયાદીના પુત્ર ભવ્યને ફોન કરી ગાળો બોલી ધમકી આપી હતી કે વ્યાજ નહીં ભરાય તો તેને માર મારવામાં આવશે. તેમજ ફરિયાદીને પણ બાકી રકમ ચૂકવવામાં નહીં આવે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું જણાવ્યું છે.
આ બનાવ અંગે મોરબી પોલીસે આરોપી પ્રકાશ પીઠમલ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

