ક્રૂડ ઓઇલ બજારમાં ઉભી થયેલી અસ્થિર પરિસ્થિતિ વચ્ચે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર લાગતી એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો જાહેર કર્યો છે, જેના કારણે તેલ કંપનીઓ તેમજ સામાન્ય જનતાને રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. મીડિયા અહેવાલો મુજબ, પેટ્રોલ પર અગાઉ લાગતી રૂ. 13 પ્રતિ લિટરની એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને હવે રૂ. 3 પ્રતિ લિટર કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પર લાગતી રૂ. 10 પ્રતિ લિટરની ડ્યુટી સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે.
સરકારના આ નિર્ણયનો મુખ્ય હેતુ વધતા ઇંધણના ભાવને નિયંત્રિત કરવાનો અને બજારમાં સ્થિરતા જાળવવાનો હોવાનું માનવામાં આવે છે. એક્સાઇઝ ડ્યુટી કેન્દ્ર સરકાર દ્વારા વસૂલાતો પરોક્ષ કર છે, જે ઉત્પાદન અથવા મેન્યુફેક્ચરિંગ પર લાગુ પડે છે. ભારતમાં ઇંધણના અંતિમ ભાવમાં કેન્દ્રની એક્સાઇઝ ડ્યુટી ઉપરાંત રાજ્ય સરકારો દ્વારા વસૂલાતોનો પણ સમાવેશ પામે છે.
દેશમાં ડ્યુટી ઘટાડા સાથે સરકારે ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (ATF)ની નિકાસ પર વિન્ડફોલ ટેક્સ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. ડીઝલ નિકાસ પર પ્રતિ લિટર રૂ. 21.5 અને જેટ ફ્યુઅલની નિકાસ પર રૂ. 29.5 પ્રતિ લિટરનો ટેક્સ લાગુ કરવામાં આવ્યો છે. ડીઝલના ભાવમાં રાહત મળવાથી પરિવહન ખર્ચમાં ઘટાડો થવાની શક્યતા છે, જેના કારણે શાકભાજી, અનાજ, દૈનિક ઉપયોગની વસ્તુઓ તેમજ માલવહન ભાડા પર પણ સકારાત્મક અસર પડી શકે છે. સરકારનું માનવું છે કે આ નિર્ણય મોંઘવારી નિયંત્રણમાં મદદરૂપ બનશે.
હવે ધ્યાન તેલ કંપનીઓ તરફ છે કે તેઓ ડ્યુટી ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી કેટલો પહોંચાડે છે. સાથે જ રાજ્યો પણ VATમાં ઘટાડો કરે તો જનતાને વધુ રાહત મળી શકે તેવી શક્યતા છે. આ નિર્ણય પહેલાં નાયરા એનર્જીએ પેટ્રોલના ભાવમાં રૂ. 5 અને ડીઝલમાં રૂ. 3 પ્રતિ લિટરનો વધારો કર્યો હતો. જેના કારણે ભોપાલમાં પેટ્રોલનો ભાવ રૂ. 111.72 અને ડીઝલ રૂ. 94.88 પ્રતિ લિટર સુધી પહોંચી ગયો છે. અલગ અલગ રાજ્યોમાં સ્થાનિક કરને આધારે ભાવમાં ફેરફાર જોવા મળી શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે, જેમાં ઈરાન યુદ્ધ બાદ ઊભી થયેલી વૈશ્વિક પરિસ્થિતિ અંગે ચર્ચા થવાની સંભાવના છે. રાજ્યસભામાં વડાપ્રધાને અગાઉ જણાવ્યું હતું કે યુદ્ધ લાંબું ચાલશે તો તેના વ્યાપક આર્થિક પ્રભાવ પડી શકે છે અને કેન્દ્ર-રાજ્ય સંકલન જરૂરી બનશે. સરકારે દેશમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસની અછત અંગે ફેલાતી અફવાઓને ખોટી ગણાવી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારત પાસે આશરે 60 દિવસ પૂરતો ઇંધણ જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠા અંગે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
આ રીતે એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડો સામાન્ય લોકો માટે રાહતરૂપ પગલું માનવામાં આવી રહ્યું છે, જેના પ્રભાવ આગામી દિવસોમાં બજાર અને જનજીવન બંનેમાં જોવા મળશે.

