મોરબી માર્ગ અને મકાન વિભાગ દ્વારા એલ.સી.-31 રેલવે ઓવરબ્રિજ (ROB)ના નિર્માણ કાર્યમાં ગુણવત્તા અને સલામતીના તમામ માપદંડોનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે.
વિભાગ દ્વારા કરવામાં આવેલી તકનિકી તપાસ દરમિયાન બ્રિજના એક પિયરની એક લિફ્ટ નિર્ધારિત મજબૂતી (સ્ટ્રેન્થ)ના ધોરણોને અનુરૂપ ન હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. આ મુદ્દાને ગંભીરતાથી લઈને અને જાહેર સુરક્ષાને પ્રાથમિકતા આપતા વિભાગે સંબંધિત કોન્ટ્રાક્ટરને તાત્કાલિક અસરથી ખામીયુક્ત પિયરને સંપૂર્ણપણે દૂર કરવાનો આદેશ આપ્યો છે.
આ ઉપરાંત, કોન્ટ્રાક્ટરને મંજૂર ડિઝાઇન, ટેક્નિકલ સ્પેસિફિકેશન તેમજ ગુણવત્તાના નિર્ધારિત ધોરણો મુજબ પોતાના ખર્ચે નવા પિયરના પુનઃનિર્માણ કરવા માટે સૂચના આપવામાં આવી છે.
માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું છે કે, પ્રોજેક્ટની દરેક કામગીરી પર સતત તકનિકી દેખરેખ રાખવામાં આવી રહી છે અને બાંધકામ દરમિયાન ગુણવત્તામાં કોઈપણ પ્રકારની ખામી જણાશે તો તાત્કાલિક સુધારાત્મક પગલાં લેવામાં આવશે. વિભાગે સ્પષ્ટ કર્યું છે કે જાહેર હિત અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને બાંધકામની ગુણવત્તા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં.

