HomeGujaratમોરબી, ટંકારા અને માળિયાના ગામડામાં કમોસમી વરસાદથી કપાસ અને મગફળીના પાકોમાં નુકશાનીની...

મોરબી, ટંકારા અને માળિયાના ગામડામાં કમોસમી વરસાદથી કપાસ અને મગફળીના પાકોમાં નુકશાનીની ભીતિ

દિવાળી બાદથી રાજ્યભરમા વાતાવરણમાં બદલાવ આવ્યો છે અને છેલ્લા બે ત્રણ દિવસથી અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો તો અનેક સ્થળે પવન સાથે વરસાદ થતા ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે. મોરબી જિલ્લામાં રવિવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન વાદળ છાયા વાતાવરણ બાદ રાત્રીના છુટા છવાયા વિસ્તારમાં પવન સાથે ઝાપટા શરુ થયા હતા. સોમવારે સમગ્ર જિલ્લામાં વરસાદનું જોર વધ્યું હતું ખાસ કરીને મોરબીના ટંકારા તાલુકામાં વરસાદનું પ્રમાણ વધ્યું હતું. ટંકારા તાલુકામાં અડધા થી પોણો ઇંચ વરસાદ નોધાયો હતો તો મોરબી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પોણા બે ઇંચ જેટલું પાણી વરસી ગયો હતો.

મોરબીમાં કપાસનું 2 લાખ હેક્ટર કરતા વધારે વિસ્તારમાં વાવેતર થયું હતું તો મગફળીનું લગભગ 65 હજાર હેક્ટર કરતા વધારે વિસ્તારમાં વાવેતર થયું હતું. વાંકાનેર હળવદ તાલુકામાં વરસાદનું જોર ઓછું હોવાથી ત્યાં નુકશાની ના અહેવાલ મળ્યા નથી, પરંતુ મોરબી અને ટંકારા તેમજ માળિયા ના દરિયા કાંઠાના નજીકના ગામમાં વરસાદની અસર વધારે હોવાનું અને તેનાથી કપાસને મગફળી તેમજ પશુના ચારાને નુકશાન થયા હોવાનો દાવો ખેડૂતોએ કર્યો હતો.

 

મોરબીના નાની બરાર ગામના ખેડૂત પુષ્પકાંત ભાઈ ચાવડાના જણાવ્યા મુજબ  હાલ કપાસનો છેલ્લો ફાલનો સમય છે કેટલાક છોડમાં ફાલ આવી ગયો હતો તો કેટલાકમાં વહેલા ફાલ આવ્યો હોવાથી તેમાં ઝિંડવા પણ બેસી ગયા હતા. જોકે રવિવાર અને સોમવારે થયેલા પવનને કારણે આ ફાલ ખરી ગયો છે તો ગામમાં ઘણા ખેડૂતો એવા છે જેને  મગફળીનું વાવેતર કર્યું હતું. તેને પાક લણી લીધા બાદ ખેતરમાં સૂકવવા પાથરા કર્યા હતા પવનના કારણે પાથરા ઉડી ગયા હતા તેમજ પાણી પડવાના કારણે મગફળી પલળી ગઈ છે, જેના કારણે હવે જયારે ખેડૂત યાર્ડમાં માલ વેચવા જશે ત્યારે પૂરતા ભાવ મળશે નહી અને નુકસાની સહન કરવી પડશે.

કુન્તાસી ગામના લક્ષ્મણભાઈ નાકળાના જણાવ્યા મુજબ તેમનું ગામ દરિયાની નજીકનું ગામ છે અને વરસાદ તેમજ પવનને કારણે ખેતરમાં નુકશાની આવી છે. કપાસમાં પાણી ભરાવવા ને કારણે રૂ પીળું પડી જતું હોય છે તેમજ વધારે પાણીથી રૂ કાળું પડી ખરી જાય છે. મગફળીમાં પણ નુકશાની થવાની ભીતિ છે મોટા ભાગના ખેડૂતોએ  કાઢી અને એક બે દિવસ તડકે સૂકવવા પાથરી હતી પણ વરસાદને પવનને કારણે નુકશાન થયું છે જે પાક બચી ગયો છે તેમાં ગુણવતા બગડી છે જેથી વેચાણ માટે જતી વખતે ભાવ તૂટશે જેનો બોજ ખેડૂતને સહન કરવો પડશે.

મોરબી જિલ્લામાં બે દિવસ વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે એટલે હજુ નુકશાનીનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. જોકે મોરબી જિલ્લામાં સૌરાષ્ટ્રના બીજા જિલ્લા કરતા ખુબ ઓછો વરસાદ છે. જેથી નુકશાનનું પ્રમાણ ઓછું રહે તેવી શક્યતા છે. ગ્રામ સેવકોને સૂચના આપી છે તેમ જિલ્લા ખેતી અધિકારી ડો. હસમુખ ઝીંઝુવાડિયાએ  જણાવ્યું હતું.

ખેડૂતોને હાલ તૈયાર પાક સુરક્ષિત સ્થળે રાખવા અને ખેતરમાં પાકને દવા છંટકાવ ન કરવા તાકીદ. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડૂતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહી તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેપારી અને ખેડુત મિત્રોએ કાળજી રાખી આગોતરા સાવચતીના પગલા લેવા એ.પી.એમ.સી.મા અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.મા વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી હતી. મોરબી જિલ્લા ખેતી અધિકારી ડો. હસમુખ યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW