મોરબીની એક ફેકટરીમાં ઝારખંડના મજુરને પગાર ન ચૂકવી ગોંધી રાખ્યા હોવાની ફરિયાદ ઝારખંડના બોહરા ગોરા પોલીસ મથકમાં નોધાઇ હતી. જે અંગેની ઝારખંડના સીએમ દ્વારા સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરતા મામલો ગરમાયો હતો અને સ્થાનિક માઈગ્રેટ કન્ટ્રોલ ટીમ દ્વારા મોરબી વહીવટી તંત્રની મદદ લઇ તમામ 13 મજુરોની સ્થિતિ જાણી તેમના વતન પરત લાવવામાં આવ્યા હતા. જોકે આ અંગે કારખાનેદાર દ્વારા બચાવ કરવામાં આવ્યો હતો કે તેમનો પગાર કોન્ટ્રાકટર દ્વારા અટકાવી દેવામાં આવ્યો હતો અમને આ અંગે જાણ થતા તુરત તમામ રકમ ચૂકવી તેમજ ઘરે જવાના ભાડાની રકમ આપી સુરક્ષિત ઘરે પહોચાડવાની વ્યવસ્થા કરી છે. સિરામિક નગરી મોરબીમાં લાખો મજૂરો અલગ અલગ રાજ્યમાં થી મજુરી માટે આવતા હોય છે અને ક્યારેક મજૂરોની અનિયમિત પગારની ફરિયાદ ઉઠતી હોય છે. જોકે એક સપ્તાહ પહેલા મોરબીમાં ઝારખંડના 13 મજુરોએ તેમને કારખાનામાં ગોંધી રાખવા રહેવા જમવાની વ્યવસ્થા ન કરી આપવા તેમજ 13 મજુરનો રૂ. 68 હજારનો પગાર ન ચૂકવ્યો હોવાની ફરિયાદ ઝારખંડ સીએમને કરતા મોરબી અને ઝારખંડનું તંત્ર દોડતું થયું હતું.
મોરબીના બેલા ગામ નજીક આવેલી એજીલીસ ફેકટરીમાં કામ કરતા મૂળ ઝારખંડના સિંહભૂમ જિલ્લાના બોહારાગઢ અને આસપાસના ગામના 13 મજુર કામ કરતા હોય અને તેઓને નોકરી આપનાર વ્યક્તિ પગાર ન આપતા હોય તેમજ કારખાનામાં ગોંધી રાખ્યાની ભોજન પણ ન આપતા હોવાની ફરિયાદ તેના ગામના સરપંચને કરી હતી. જે બાદ સરપંચ દ્વારા રાજકીય આગેવાનોને ફરિયાદ કરતા આખો મુદ્દો ઝારખંડના સીએમ હેમંત સોરેન સુધી પહોચતા તેમને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરતા ઝારખંડના માઇગ્રન્ટ કંટ્રોલ સેલ ટીમ લીડર શિખા લાકરાએ મોરબી જિલ્લા વહીવટી તંત્ર માં આ બાબતે જાણ કરતા આ મામલો મોરબી જિલ્લા પોલીસ સુધી પહોચ્યો હતો. જે બાદ તાલુકા પોલીસના જમાદાર ફીરોઝ સુમરા અને સ્ટાફ એજીલીસ વિટ્રીફાઈડ ફેકટરીમાં પહોચી તપાસ કરી હતી.
ગોધી રાખવાની વાત ખોટી કોન્ટ્રાકટરે પગાર અટકાવ્યો હતો અમને જાણ થઇ એટલે અમે રૂપિયા ચૂકવી વતન જવા દીધાસમગ્ર ઘટનાની તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આ મજૂરો એક મહિનાથી કામ કરી રહ્યા છે અને તેનો કોન્ટ્રાકટર પગાર આપ્યા વિના તેના વતન જતો રહ્યો છે. આ મજુર તેના વતન જવા માંગતા હતા જયારે કોન્ટ્રાકટર જ્યાં સુધી પરત ન ફરે ત્યાં સુધી પગાર ન આપવાનું જણાવતા વિવાદ થયો હતો પોલીસે સમગ્ર ઘટનામાં હસ્તક્ષેપ કરી તમામ મજુરના જેતે દિવસના મજુરીના પૈસા અને તેમના વતન જવાનું ભાડું અપાવી તેમના વતન રવાના કર્યા હોવાનું એજીલીસ વિટ્રીફાઈડ ના સંચાલક યશભાઈ પટેલે જણાવ્યું હતું.
અમને ફરિયાદ મળતા સ્થળ પર તપાસ કરી હતી 13 માંથી 6 તો કામ પર હતાએજીલીસ ફેકટરીમાં મજુરને ગોંધી રાખ્યાની ફરિયાદ અમારા સુધી પહોચી એટલે અમે ત્યાં પહોચ્યા હતા. કેટલાક મજુર ફેકટરીમાં કામ કરતા હતા તો કેટલાક નાઈટ શિફ્ટ કરીને સુતા હતા જેથી તમામ મજુરને બોલાવી પૂછ પરછ કરતા કોન્ટ્રાકટર તેના વતન ગયો હોય અને તે પરત આવે પછી પૈસા આપશે તેમ જણાવ્યું હતું. જોકે મજુર ત્યારે જ પગાર લઇ ઘરે જવાની જીદ કરતા અમે હિસાબ કરાવી તેમનો લગભગ 65 થી 68 હજાર જેટલી રકમ થતી હતી તે રકમ તેમજ ભાડુ ચૂકવી તેના વતન જવાની વ્યવસ્થા કરી હતી તેમ તાલુકા પોલીસ મથકના જમાદાર ફિરોઝભાઈ સુમરાએ જણાવ્યું હતું.