ઓડિશાના પુરીમાં જગન્નાથ રથયાત્રા દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે. રવિવારે સવારે લગભગ 4 વાગ્યે ગુંડીચા મંદિરની સામે ભગવાન જગન્નાથના નંદીઘોષ રથ પાસે ભીડમાં નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન ત્રણ ભક્તોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ બસંતી સાહુ (36), પ્રેમ કાંતિ મોહંતી (78) અને પ્રભાતી દાસ તરીકે થઈ છે. તમામ મૃતદેહોને પુરી મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે.
રવિવારે સવારે 4 વાગ્યે નાસભાગ મચી હતી. ઘટનાસ્થળે કોઈ એમ્બ્યુલન્સ હાજર નહોતી. આવી સ્થિતિમાં, લોકોએ જાતે જ ઘાયલોને ઉઠાવીને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. આ દુર્ઘટના ત્યારે સર્જાઈ જ્યારે રથ જોવા માટે મોટી ભીડ એકઠી થઈ હતી. આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જે જગ્યાએ નાસભાગ થઈ ત્યાં પૂરતા પ્રમાણમાં પોલીસ કે સુરક્ષા દળો તહेનાત નહોતા.
ભગવાન બલભદ્ર અને સુભદ્રાના રથ શ્રદ્ધાબલી (અંતિમ સ્થળ) સુધી પહોંચી ગયા હતા. બાદમાં, ભગવાન જગન્નાથનો રથ તેમના માસીને ત્યાં, ગુંડીચા મંદિર પહોંચ્યો હતો.