આજના આધુનિક ટેક્નોલોજીના યુગમાં ચોરી કરવાની રીતો પણ હવે વધુ સ્માર્ટ અને હાઇટેક બની રહી છે. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં એમબીબીએસ જેવી મહત્વપૂર્ણ પરીક્ષા દરમિયાન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)ની મદદથી નકલ કરવાનું એક ચોંકાવનારું પ્રકરણ સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ, યુનિવર્સિટીમાં ચાલી રહેલી એમબીબીએસ પરીક્ષા દરમિયાન નિરીક્ષકોને કેટલાક વિદ્યાર્થીઓની હરકતો શંકાસ્પદ લાગી હતી. તપાસ કરતાં જાણવા મળ્યું કે કુલ 6 વિદ્યાર્થીઓ મોબાઈલ ફોન અને અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી ChatGPT જેવા AI ટૂલનો ઉપયોગ કરીને પ્રશ્નોના જવાબ મેળવી રહ્યા હતા.
આ બનાવની જાણ યુનિવર્સિટી તંત્રને થતાં જ તમામ 6 વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરેક વિદ્યાર્થી પર રૂ. 10 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો તેમજ તેમની પરીક્ષા પણ રદ્દ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આ પ્રકારની ઘટના અગાઉ મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પણ સામે આવી હતી, જ્યાં ધોરણ-12ની પરીક્ષા દરમિયાન પ્રશ્નપત્રનો ફોટો બહાર મોકલી ChatGPT મારફતે જવાબો લખાવવામાં આવ્યા હતા. આ મામલે ત્રણ શિક્ષકો અને એક પટ્ટાવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
આ રીતે AI જેવી આધુનિક ટેક્નોલોજી શિક્ષણ ક્ષેત્રમાં સુવિધા સાથે સાથે પરીક્ષાની નિષ્પક્ષતા અને પારદર્શિતાને પણ પડકાર આપી રહી છે.

