મોરબીના હાઇવે પર મોડી રાત્રે આગની એક ઘટના સામે આવી છે. માળીયા રોડ પર ટીબડી પાટિયા પાસે ઉભેલી એક ટ્રકના કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા દોડધામ મચી ગઈ હતી. જોકે, ફાયર વિભાગની ત્વરિત કામગીરીને પગલે મોટી દુર્ઘટના ટળી છે.
મોરબીના માળીયા રોડ પર કબીર આશ્રમની બાજુમાં, ટીબડી પાટિયા પાસે ગત મોડી રાત્રે 03:40 વાગ્યે જીજે ૧૮ બીવી ૬૦૩૨ (GJ 18 BV 6032) નંબરની ટ્રકમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ટ્રકના કેબિનના ભાગમાં લાગી હતી, જે જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી.
ઘટનાની જાણ થતા જ મોરબી ફાયર કંટ્રોલરૂમની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઈટરોએ પાણીનો મારો ચલાવી ટૂંક સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પરંતુ રાહતની વાત એ છે કે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી. આગને કારણે ટ્રકનું કેબિન બળીને ખાખ થઈ ગયું છે, પરંતુ સમયસર આગ બુઝાઈ જતાં બાકીનો માલસામાન બચી ગયો હતો.

