પશ્ચિમ રેલ્વેનો રાજકોટ ડિવિઝન ભારતીય રેલ્વે માટે કમાણીની દ્રષ્ટિએ સતત નફાકારક સાબિત થઈ રહ્યો છે. રાજકોટ ડિવિઝનલ રેલ્વે મેનેજર અશ્વની કુમારે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વખતે પણ ડિવિઝને રેકોર્ડ આવક મેળવીને નવો રેકોર્ડ બનાવ્યો છે અને સર્વાંગી વિકાસની દિશામાં ધ્વજ લહેરાવ્યો છે.
રાજકોટ ડિવિઝને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તેના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે અને ૨૪૫૩.૬૮ કરોડ રૂપિયાની રેકોર્ડ વાર્ષિક આવક મેળવી છે, જે નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ૨૨૭૬.૩૪ કરોડ રૂપિયાની વાર્ષિક આવક કરતાં ૮% એટલે કે ૧૭૭.૩૪ કરોડ રૂપિયા વધુ છે. આ ૨૪૫૩.૬૮ કરોડ રૂપિયાની નાણાકીય આવકમાં, માલ પરિવહનમાંથી ૨૦૨૫.૨૮ કરોડ રૂપિયા, મુસાફરોની આવકમાંથી ૩૯૮.૧૦ કરોડ રૂપિયા, પાર્સલ સહિત અન્ય સ્ત્રોતોમાંથી ૩૦.૩૧ કરોડ રૂપિયાની આવક થઈ છે. વાર્ષિક આવકની દ્રષ્ટિએ, આ રાજકોટ ડિવિઝનની અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક આવક છે.
રાજકોટ ડિવિઝનને ૨૦૨૪-૨૫માં માલ- પરિવહનથી રૂ. ૨૦૨૫.૨૮ કરોડની આવક થઈ છે,જે ગયા વર્ષ ની રૂ.૧૮૭૧.૧૨ કરોડ કરતાં ૮.૨૪% એટલે કે રૂ. ૧૫૪.૧૬ કરોડ વધુ છે. આ રાજકોટ ડિવિઝનને માલ પરિવહન માં થી પ્રાપ્ત થયેલ આ અત્યાર સુધીની સૌથી વધુ વાર્ષિક આવક છે.
રાજકોટ રેલ્વે ડિવિઝને નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં ૧૦.૮૧ મિલિયન મેટ્રિક ટન માલસામાન લોડ કર્યું છે, જેમાં મુખ્યત્વે પેટ્રોલિયમ ઉત્પાદનો, ઔદ્યોગિક મીઠું, કન્ટેનર, ખાતરો, કોલસો, એલપીજી, સોડા એશ, સિમેન્ટ, અનાજ વગેરેનો સમાવેશ થાય છે. રાજકોટ ડિવિઝનને ૨૦૨૪-૨૫માં મુસાફરોની આવકમાં રૂ. ૩૯૮.૧૦ કરોડની આવક પ્રાપ્ત થઈ છે, જે ગયા વર્ષના રૂ. ૩૭૪.૧૨ કરોડ હતી, જે ગયા વર્ષ કરતાં ૬.૫% વધુ એટલે કે રૂ. ૨૩.૯૮ કરોડ વધુ છે. આ રાજકોટ ડિવિઝનને અત્યાર સુધી મેળવેલી મુસાફરોની આવકમાંથી સૌથી વધુ વાર્ષિક આવક છે. આ વર્ષે રાજકોટ ડિવિઝનમાંથી લગભગ ૧.૧૧ કરોડ મુસાફરોએ મુસાફરી કરી છે.