મોરબીના વીશીપરા વિસ્તારમાંથી કૌટુંબિક અદાવતમાં એક યુવક પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે. વીશીપરા મેઈન રોડ પર શિવ શક્તિ મેડિકલ સામે બનેલી આ ઘટના અંગે હાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.મળતી માહિતી મુજબ, મોરબીના વીશીપરા મદીના સોસાયટીમાં રહેતા અને મસ્જિદમાં નમાજ પઢાવવાનું કામ કરતા ૨૭ વર્ષીય મહેબુબભાઇ ઇકબાલભાઇ ભટ્ટી નામના યુવકે આરોપી શાહરુખ જુસબભાઇ સંધવાણી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
મહેબુબભાઇના મોટાબાપુના દીકરાના પત્ની છેલ્લા સાતેક મહિનાથી રિસામણે બેઠા છે, જે આ કામના આરોપી શાહરુખની બહેન થાય છે. આ જ વાતનો ખાર રાખીને ગઈકાલે સાંજના સવા પાંચ વાગ્યાની આસપાસ જ્યારે મહેબુબભાઇ વીશીપરા મેઈન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે આરોપી શાહરુખે પોતાની સ્કુટી પૂરઝડપે ચલાવી મહેબુબભાઇના બાઈક પાછળ ભટકાડી દીધી હતી.બાઈક અથડાતા જ મહેબુબભાઇ નીચે પડી ગયા હતા. તેમણે શાહરુખને સ્કુટી ધીમે ચલાવવા માટે ટોકતા જ શાહરુખ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ ઉશ્કેરાઈને પોતાના હાથમાં રહેલું હેલ્મેટ મહેબુબભાઇના માથાના ભાગે બે-ત્રણ વાર ફટકારી દીધું હતું, જેના કારણે તેમને ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.હાલ આ સમગ્ર મામલે ભોગ બનનાર યુવકે મોરબી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

