HomeGujaratમોરબીમાં પેટ્રોલ પંપના કર્મચારી પર ચાર શખ્સોનો લાકડીઓથી હુમલો

મોરબીમાં પેટ્રોલ પંપના કર્મચારી પર ચાર શખ્સોનો લાકડીઓથી હુમલો

મોરબીના વાવડી રોડ પર આવેલા રામકૃપા પેટ્રોલ પંપ ખાતે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. કારને થોડું આગળ લેવા કહેવા જેવી બાબતે ઉશ્કેરાયેલા ચાર શખ્સોએ પેટ્રોલ પંપના ફિલરમેન પર લાકડીઓ વડે હુમલો કરી તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આ બનાવ અંગે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના વિસીપરા વિસ્તારમાં વિજયનગર ખાતે આંબેડકર સ્કુલ પાસે રહેતા યુવરાજભાઈ દિલીપભાઈ પરમાર રામકૃપા પેટ્રોલ પંપ પર ફિલરમેન તરીકે ફરજ બજાવે છે. રાત્રિના સમયે તેઓ પંપ પર હાજર હતા ત્યારે GJ-04-DA-5152 નંબરની ફોર વ્હીલર કારમાં પેટ્રોલ ભરાવવા માટે કેટલાક શખ્સો આવ્યા હતા.

પેટ્રોલ ભરવાની પ્રક્રિયા દરમિયાન નોઝલ કારની ટાંકી સુધી પહોંચી શકતી ન હોવાથી યુવરાજભાઈએ કારને થોડી આગળ લેવા જણાવ્યું હતું. આ સામાન્ય સૂચનથી કારચાલક સહિતના શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા અને ફિલરમેન સાથે બોલાચાલી કરી ગાળાગાળી શરૂ કરી હતી.

ત્યારબાદ આરોપીઓ ફરી પેટ્રોલ પંપ પર આવ્યા હતા અને યુવરાજભાઈ પર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ શખ્સો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનામાં ગંભીર ઈજાઓ થતાં યુવરાજભાઈને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવમાં મુખ્ય કારચાલક જયભાઈ ભરતભાઈ રાબા તેમજ રાજભાઈ પરમાર, નદીમ શેખ અને વસીમ શેખ સામે મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ દ્વારા ફરિયાદના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,710SubscribersSubscribe

TRENDING NOW