મોરબી જિલ્લા પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરૂદ્ધ ઝુંબેશ ચાલી રહી છે. જેના અનુસંધાને મોરબી પોલીસ દ્વારા 70 જેટલા રીઢા ગુનેગારોને પોલીસ મથકે બોલાવીને વિગતો એકત્ર કરવામાં આવી છે. તેમજ તેઓને કાયદામાં રહેવાની કડક ચેતવણી પણ આપવામાં આવી હતી. મોરબી જિલ્લા પોલીસ દ્વારા 165 જેટલા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં મોરબી સિટી એ ડિવિઝન, મોરબી સિટી બી ડિવિઝન અને તાલુકા પોલીસ મથક વિસ્તારમાં 70 જેટલા રીઢા ગુનેગારોના નામ સમાવવામાં આવ્યા છે. આ તમામ લોકોને મોરબી સિટી એ ડિવિઝન અને મોરબી સિટી બી ડિવિઝન ખાતે બોલાવવામાં આવ્યા હતા.
આ દરમિયાન પોલીસ દ્વારા તમામ લોકો હાલ શુ પ્રવૃત્તિ કરે છે, પેરોલ ઉપર છૂટેલા છે કે કેમ તે સહિતની વિગતો એકત્ર કરવામાં આવી છે. વધુમાં આ તમામ લોકોને કાયદામાં રહેવાની કડક ભાષામાં ચેતવણી પણ આપવામાં આવી હતી અને આ ગુનેગારોની ગુનાહિત પ્રવૃત્તિઓને ધ્યાને લઇ કાયદાકીય કાર્યવાહી કરવાનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ડીજીપીના આદેશના પગલે મોરબી જિલ્લા પોલીસ સતર્ક બની છે.