મોરબીમાં જિલ્લા ચાઇલ્ડ લેબર ટાસ્ક ફોર્સ અને મદદનીશ શ્રમ આયુક્તની કચેરી દ્વારા સંયુક્ત તપાસ અભિયાન દરમિયાન બાળમજૂરીનો ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે.
અધિકારીઓએ પરસોત્તમ ચોક અને રવાપર રોડ વિસ્તારમાં મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરો એકત્ર કરવાની કામગીરીમાં લાગેલા ટ્રેક્ટર (રજી. નં. MP-45-AC-4214)ની તપાસ કરતાં તેમાં અંદાજે 13 વર્ષનો સગીર હેલ્પર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું હતું. બાળકની ઉંમરની પુષ્ટિ કરવા માટે તેને સિવિલ હોસ્પિટલમાં તબીબી તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. મેડિકલ ચકાસણી બાદ બાળમજૂર અંકિત નીનામાને કામમાંથી મુક્ત કરાવી સમાજ સુરક્ષા અધિકારીના પ્રતિનિધિને સોંપવામાં આવ્યો હતો.
આ ઘટનાને પગલે સરકારી શ્રમ અધિકારી મિતેશકુમાર પરસોત્તમભાઈ જોષીની ફરિયાદના આધારે મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર વેસ્ટ કલેક્શન સેવા સંભાળતી ‘શ્રીજી એજન્સીઝ’ના માલિક રમેશચંદ્ર ખીમાભાઈ ઝોરા (રહે. અમદાવાદ) સામે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળક પાસેથી કામ કરાવવાના આરોપસર બાળ અને તરુણ કામદાર (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમની કલમ 3 અને 14 હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ ઉપરાંત આરોપી વિરુદ્ધ મોરબીના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધવામાં આવ્યો છે. કોન્ટ્રાક્ટની શરતો મુજબ બાળમજૂરી અટકાવવાની સંપૂર્ણ જવાબદારી સંબંધિત એજન્સીની હોવા છતાં તેનો ભંગ થતાં સંબંધિત કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

