હળવદ પંથકમાં શનિવારે પડેલા સાત ઇંચ જેટલા ભારે વરસાદ બાદ હવે વરસાદી પાણી ધીમે-ધીમે ઓસરવા લાગ્યા છે. જોકે પાણી ઉતર્યા બાદ ખેડૂતોમાં પાકને થયેલા નુકસાનની ચિંતા વધી છે. જુના અમરાપર, ઈગોરાળા, ચાડધ્રા અને રાયસંગપુર ગામોની સીમમાં હજુ પણ વરસાદી પાણીની આવક ચાલુ હોવાથી ખેતરોમાંથી પાણીનો સંપૂર્ણ નિકાલ થઈ શક્યો નથી.
સ્થાનિક ખેડૂતોના જણાવ્યા મુજબ આશરે ચાર હજાર વિઘા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતાં કપાસ, મગફળી સહિતના ચોમાસુ પાકને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. ભારે વરસાદ અને પાણીના યોગ્ય નિકાલના અભાવે ખેતરો લાંબા સમયથી જળબંબાકાર બન્યા છે, જેના કારણે ખેડૂતોના પરિશ્રમ પર પાણી ફરી વળ્યું હોવાનું જોવા મળી રહ્યું છે. ખેડૂતો હવે તંત્ર દ્વારા પાણીના ઝડપી નિકાલ અને નુકસાનના સર્વેની માંગ કરી રહ્યા છે.

