મોરબી મહાનગરપાલિકા અને પુસ્તક પરબ-મોરબી દ્વારા લાયબ્રેરીઓનું પુસ્તક પ્રદર્શન યોજાશે. મોરબીના લોકોમાં પુસ્તકો વાંચન પ્રત્યે જાગૃતિ વધે તેવા ઉમદા હેતુથી કેસરબાગ ખાતે તારીખ 16 ફેબ્રુઆરીને રવિવારના રોજ સવારે 9 થી 11 પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
મોરબી ખાતે કાર્યરત કેસરબાગ લાયબ્રેરી અને શાકમાર્કેટ પાસે આવેલ પબ્લિક લાયબ્રેરીના પુસ્તકો લોકો નિહાળી શકે તે માટે કેસરબાગમાં આ પુસ્તકોનું પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શન મહાનગરપાલિકાના કમિશ્નર સ્વપ્નિલ ખરેના વરદ્દ હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. મોરબીની જાહેર જનતાને આ પ્રદર્શન નિહાળવા અને પોતાની પાસે રહેલ વાંચેલા પુસ્તકો લાયબ્રેરીને દાન કરવા અપીલ કરવામાં આવેલ છે.
છેલ્લાં આઠ વર્ષોથી મોરબીના સરદાર બાગ ખાતે યોજાતા પુસ્તક પરબ-મોરબીની ટીમનો પણ આ પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમમાં ભાગીદાર છે. આ પુસ્તક પરિચય – બુક ટોક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં મોરબીના પ્રસિદ્ધ કવિ જલરૂપ-રૂપેશ પરમાર અને રાજ્યકક્ષાની વાર્તા સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરનાર કાવ્યા પૈજા દ્વારા પુસ્તક પરિચય આપવામાં આવશે.
આગામી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સવારે 9 થી 11.30 સુધી કેસરબાગ, મોરબી ખાતે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા જાહેર જનતાને અનુરોધ કરવામાં આવેલ છે.