મોરબીના નવલખી રોડ પર રણછોડનગર પાછળ આવેલા રિદ્ધિ પાર્કમાં રહેતા દંપતીનું પીપળીયા-વવાણીયા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં મોત નીપજ્યું છે. ચક્કી ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા 50 વર્ષીય રહીમભાઈ ઈશાકભાઈ ચિચોદરા અને તેમના પત્ની 48 વર્ષીય મેરૂનબેન બાઈક પર દહીસરા ખાતે આવેલી પીરની દરગાહના દર્શન માટે ગયા હતા. દર્શન કર્યા બાદ બંને બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે નાના દહીંસરાના પાટિયા પાસે વાસુકી કોલ નજીક સામેથી આવી રહેલા કોલસા ભરેલા ડમ્પરે તેમના બાઈકને જોરદાર ટક્કર મારી હતી.
અકસ્મતની ટક્કર એટલી ગંભીર હતી કે, બાઈક સવાર રહીમભાઈ અને મેરૂનબેનના ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન સાથે ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હોવાની માહિતી સામે આવી છે. બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતક દંપતીને સંતાનમાં 20 વર્ષનો પુત્ર અને 18 વર્ષની પુત્રી હોવાનું સામે આવ્યું છે.

