મોરબી જિલ્લાની વાંકાનેર નગરપાલિકાની મધ્યસ્થ ચુંટણી માટે ભરાયેલા ઉમેદવારી ફોમ પરત ખેચવાની આજે અંતિમ મુદત હોય અને તેમાં રસપ્રદ વળાંક આવ્યો છે જેમાં અગાઉ ફોમ ચકાસણી વખતે ભાજપ મહિલા ઉમેદવાર અને એનસીપીના મહિલા ઉમેદવારનું 1-1 તેમજ ડમી મળી કુલ-07 ઉમેદવારનું ફોમ રદ થયા હતા. જયારે આજે એક ઉમેદવારનું ફોમ પરત ખેચાયું હતું. વાંકાનેર નગરપાલિકામાં કુલ 28 બેઠકો માટે 53 ફોમ ભરાયા બાદ આજની સ્થિતિએ 13 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે. આ બિનહરીફ ઉમેદવારોમાં ભાજપના 11, કોંગ્રેસના 1 અને બસપાના 1 ઉમેદવારનો સમાવેશ થાય છે. બિનહરીફ વિજેતાઓમાં વોર્ડ નંબર 1માંથી 4, વોર્ડ નંબર 5માંથી 4, વોર્ડ નંબર 3 અને 7માંથી 2-2 અને વોર્ડ નંબર 4માંથી 1 ઉમેદવારનો સમાવેશ થાય છે.
આગામી તા.-16ના રોજ યોજાવનાર મતદાન પ્રકિયાની વાત કરીએ તો બાકીની 15 બેઠકો માટે 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાં બેઠકો મુજબ જોઈએ તો વોર્ડ-2માં 9, વોર્ડ-3માં 6, વોર્ડ-5માં 7 અને વોર્ડ-6માં 6 અને વોર્ડ-7માં 4 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર થશે. વાંકાનેર નગરપાલિકામાં 15,749 પુરુષ મતદારો અને 15,024 સ્ત્રી મતદારો મળી કુલ- 30,773 મતદારો નોધાયેલા છે, પરંતુ પાલિકના વોડ-1 અને 5 બિનહરીફ થવાના કારણે આગામી તા.-16ના રોજ 8,401 મતદારો તેના મતાધિકારોનો ઉપયોગ કરી શકશે નહિ જેની સામે 22,372 મતદારો તેના મતાધિકારોનો પ્રયોગ કરશે.