HomeGujaratSBI બેંક આવતીકાલથી સતત 6 દિવસ બંધ રહેશે: વીકએન્ડ, હડતાળ અને તહેવારના...

SBI બેંક આવતીકાલથી સતત 6 દિવસ બંધ રહેશે: વીકએન્ડ, હડતાળ અને તહેવારના કારણે રજાઓનો માહોલ

દેશની સૌથી મોટી સરકારી બેંક, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) માં ખાતું ધરાવતા ગ્રાહકો માટે આ અતિ મહત્વના સમાચાર છે. જો તમારે બેંક શાખા સંબંધિત કોઈ પણ જરૂરી કામ હોય, તો તે આજે જ (22 મે, શુક્રવાર) પતાવી લેવું હિતાવહ છે. આવતીકાલ તા.23 મે થી 28 મે 2026ની વચ્ચે દેશભરમાં SBIની શાખાઓ સતત 6 દિવસ સુધી બંધ રહી શકે છે અથવા ત્યાં કામકાજ ખોરવાઈ શકે છે.

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ની રજાઓની યાદી અને બેંક કર્મચારી મંડળ દ્વારા જાહેર કરાયેલી હડતાળના કારણે આ સ્થિતિ સર્જાઈ છે.

સતત 6 દિવસ બેંક બંધ રહેવાનું ગણિત: જાણો કયા દિવસે શું કારણ છે?

બેંકોમાં કામકાજ પ્રભાવિત થવા પાછળ અલગ-અલગ ત્રણ મુખ્ય કારણો જવાબદાર છે:

  • 23 મે (ચોથો શનિવાર): નિયમ મુજબ દર મહિનાના બીજા અને ચોથા શનિવારે બેંકોમાં સત્તાવાર રજા હોય છે.

  • 24મે (રવિવાર): સાપ્તાહિક રજાના કારણે દેશભરમાં બેંકો બંધ રહેશે.

  • 25 અને 26 મે (સોમવાર અને મંગળવાર): ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશને પોતાની વિવિધ માંગણીઓને લઈને દેશવ્યાપી બે દિવસની હડતાળનું એલાન આપ્યું છે.

  • 27 મે (બકરી ઈદ – બુધવાર): દેશના મોટાભાગના વિસ્તારોમાં બકરી ઈદ (ઈદ-ઉલ-અઝહા) નિમિત્તે RBI દ્વારા જાહેર કરાયેલી રજા રહેશે.

  • 28 મે (ગુરુવાર): કેટલાક રાજ્યોમાં આ દિવસે બકરી ઈદની રજા રહેશે, જ્યારે જમ્મુ-કાશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશમાં 27 અને 28 મે એમ બંને દિવસ બેંકો બંધ રહેશે.

ગ્રાહકો પર શું અસર થશે?

આ હડતાળ મુખ્યત્વે ‘વર્કમેન કેટેગરી’ (ક્લાર્ક અને અન્ય સપોર્ટ સ્ટાફ) દ્વારા કરવામાં આવી રહી હોવાથી શાખાઓમાં ચેક ક્લિયરિંગ, કેશ કાઉન્ટર પર રોકડની લેવડ-દેવડ અને પાસબુક અપડેટ જેવા કામો સંપૂર્ણપણે ઠપ્પ થઈ શકે છે. જો કે, ઓનલાઈન બેંકિંગ અને ATM સેવાઓ ચાલુ રહે તેવી સંભાવના છે.

શા માટે SBI કર્મચારીઓ હડતાળ પર ઉતરી રહ્યા છે?

ઓલ ઇન્ડિયા સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) ના જણાવ્યા અનુસાર, કર્મચારીઓના અધિકારોનું રક્ષણ કરવા, કામ કરવાની અનુકૂળ પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવા અને ગ્રાહકોના લાંબાગાળાના હિતોને ધ્યાનમાં રાખીને આ હડતાળ અનિવાર્ય બની છે. સંગઠન દ્વારા વહીવટી તંત્ર સામે 16 મુખ્ય માંગણીઓ મૂકવામાં આવી છે.

કર્મચારીઓની 16 મુખ્ય માંગણીઓ એક નજરે:

1. મેસેન્જર્સની નવી ભરતી: બેંકમાં વર્ગ ચાર (મેસેન્જર્સ) ની ખાલી જગ્યાઓ પર તાત્કાલિક કાયમી ભરતી કરવામાં આવે.

2. સશસ્ત્ર ગાર્ડ્સની ભરતી: શાખાઓની સુરક્ષા માટે પર્યાપ્ત આર્મ્ડ ગાર્ડ્સની નિમણૂક થાય.

3. NPSમાં ફંડ મેનેજર પસંદગી: નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ કર્મચારીઓને પોતાનો ‘પેન્શન ફંડ મેનેજર’ પસંદ કરવાની સ્વતંત્રતા મળે.

4. ઇન્ટર સર્કલ ટ્રાન્સફર (ICT): ૨૦૧૯ પછી ભરતી થયેલા કર્મચારીઓને અન્ય સર્કલમાં બદલીની તક આપવામાં આવે.

5. આઉટસોર્સિંગ પર રોક: કાયમી સ્વરૂપના કાર્યો બાહ્ય એજન્સીઓને સોંપવાનું તાત્કાલિક બંધ થાય.

6. પર્યાપ્ત સ્ટાફની નિમણૂક: કામના વધતા બોજને પહોંચી વળવા નવી ભરતીઓ કરવામાં આવે.

7. વેતન સમાનતા (Parity): સ્ટેટ બેંકના કર્મચારીઓ વચ્ચે વેતન અને અન્ય સુવિધાઓમાં રહેલી અસમાનતા દૂર થાય.

8. કરિયર પ્રોગ્રેશન સ્કીમની સમીક્ષા: પ્રમોશન અને કરિયર ગ્રોથ સંબંધિત વર્તમાન નીતિઓમાં સુધારો થાય.

9. નિવૃત્ત કર્મચારીઓને લાભ: ૧૦મા દ્વિપક્ષીય કરાર હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓને ‘૮મા સ્ટેગ્નેશન ઇન્ક્રીમેન્ટ’ નો લાભ મળે.

10. કન્સલ્ટેશન ચાર્જ સુધારો: ૧૫ જુલાઈ ૨૦૨૪થી લાગુ ફિઝિશિયન કન્સલ્ટેશન ચાર્જિસની સમીક્ષા કરવામાં આવે.

11. મેડિકલ સ્કીમ સરળ બનાવવી: મેડિકલ રિઇમ્બર્સમેન્ટ સ્કીમને વધુ વ્યાવહારિક બનાવવામાં આવે.

12. પેન્શનમાં ભથ્થાં ઉમેરવા: ૭મા દ્વિપક્ષીય કરારના નિવૃત્ત કર્મચારીઓની પેન્શન ગણતરીમાં પગારના તમામ ઘટકો સામેલ થાય.

13. HRMS સમસ્યાઓનું નિરાકરણ: બેંકના HR સોફ્ટવેર (HRMS) ની ટેકનિકલ ખામીઓ કાયમી ધોરણે દૂર થાય.

14. કર્મચારી નિર્દેશકની નિમણૂક: બેંકના બોર્ડમાં વર્કમેન કેટેગરીમાંથી એક નિર્દેશક નિયુક્ત કરવાની જૂની પરંપરા પુનઃ શરૂ થાય.

15. PF ટ્રસ્ટીનું નામાંકન: પ્રોવિડન્ટ ફંડ (PF) ટ્રસ્ટમાં કર્મચારીઓના પ્રતિનિધિની નિમણૂક થાય.

16. મિસ-સેલિંગ પર અંકુશ: ‘ક્રોસ-સેલિંગ’ ના નામે સ્ટાફ પર દબાણ લાવી ગ્રાહકોને ખોટી પ્રોડક્ટ્સ (વીમો, મ્યુચ્યુઅલ ફંડ) વેચવાનું બંધ થાય.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW