HomeGujaratરાજકોટમાં કરોડોની ચાંદીના જથ્થા સાથે હડકંપ: હિરાસર એરપોર્ટ અને બસમાંથી 250 કિલોથી...

રાજકોટમાં કરોડોની ચાંદીના જથ્થા સાથે હડકંપ: હિરાસર એરપોર્ટ અને બસમાંથી 250 કિલોથી વધુ ચાંદી ઝડપાઈ, 5 એજન્સીઓ તપાસમાં જોડાઈ

રાજકોટમાં કરોડો રૂપિયાની ચાંદીના મોટા જથ્થાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ની ચોક્કસ બાતમીના આધારે કરવામાં આવેલા ગુપ્ત ઓપરેશન દરમિયાન 150 કિલોથી વધુ ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ ચાંદી વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ લાવવામાં આવી હતી. સમગ્ર મામલે રાજકોટના ત્રણ વેપારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

બીજી તરફ સ્ટેટ GSTની ટીમે અમદાવાદથી રાજકોટ જઈ રહેલી લક્ઝરી બસમાં એક વ્યક્તિ પાસેથી આશરે 100 કિલો ચાંદીનો જથ્થો ઝડપી પાડ્યો હતો. ગીતા મંદિર પાસેથી નીકળેલી બસમાં લઈ જવાતી આ ચાંદીમાંથી મોટાભાગના જથ્થા માટે કોઈ બિલ કે કાનૂની દસ્તાવેજ રજૂ ન થતા અધિકારીઓએ સમગ્ર માલસામાન કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આ જથ્થાનો એરપોર્ટ પરથી ઝડપાયેલી ચાંદી સાથે કોઈ સંબંધ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. આ કેસમાં હવે DRI, CGST, સ્ટેટ GST, સેન્ટ્રલ IB તેમજ ગુજરાત ATS જેવી એજન્સીઓ જોડાઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં ટેક્સ ચોરીની સંભાવના સામે આવી રહી છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વારાણસી સ્થિત સનરાઈઝ પેઢી નામની પેઢી દ્વારા આ ચાંદી રાજકોટ મોકલવામાં આવી હતી અને તેમાં જરૂરી ટેક્સ ભરપાઈ કરવામાં આવી ન હોવાનું સામે આવ્યું છે.

અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ચાંદીનો જથ્થો રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં આવેલા સોના-ચાંદીના વેપારીઓ સુધી જોબવર્ક માટે પહોંચાડવાનો હતો. હાલ કુરિયર સંચાલકો સહિત અનેક વેપારીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. બિલિંગ પ્રક્રિયા, અગાઉના વ્યવહારો અને માલના મૂળ માલિકો વિશે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઘટનાને પગલે રાજકોટની ચાંદી બજારમાં ભારે ફફડાટ ફેલાયો છે. વેપારીઓના દસ્તાવેજોની ચકાસણી શરૂ કરવામાં આવી છે અને તપાસના અંતે કરોડો રૂપિયાની ટેક્સ ચોરી બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સેન્ટ્રલ એજન્સીઓને મળેલી બાતમી અનુસાર મુંબઈથી રાજકોટ આવતી ફ્લાઈટમાં કિંમતી ધાતુનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો હતો. જેના આધારે એરપોર્ટ પર ગુપ્ત વોચ ગોઠવવામાં આવી હતી. ફ્લાઈટ લેન્ડ થયા બાદ કાર્ગો વિભાગમાં તપાસ દરમિયાન ચાંદીથી ભરેલા બોક્સ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ જથ્થાની બજાર કિંમત અંદાજે રૂ. 150 કરોડ જેટલી હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કેન્દ્ર સરકારે પણ ચાંદીની આયાત સંબંધિત નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. હવે 99.9 ટકા શુદ્ધતાવાળી સિલ્વર બાર, અનરોટ સિલ્વર અને ચાંદીના પાવડરની આયાત માટે સરકારની પૂર્વ મંજૂરી ફરજિયાત બનાવવામાં આવી છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને કિંમતી ધાતુઓના વેપાર પર નિયંત્રણ મજબૂત કરવા માટે સરકારે આ નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW