ખ્યાતિકાંડ બાદ 65 દિવસથી નાસતો મુખ્ય આરોપી અને હોસ્પિટલનો ડાયરેક્ટર કાર્તિક પટેલની 17 જાન્યુઆરીની મોડીરાત્રે અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયો હતો. આજે (રવિવારે) પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગણી સાથે આરોપીને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે 10 દિવસના મંજૂર કર્યા છે.
દુબઈથી અમદાવાદ આવવા માટે કાર્તિક પટેલે કાયદાકીય રીતે બચવા અને જામીન મેળવવા માટે પ્રયાસો કર્યા હતા, પરંતુ તેના આ પ્રયાસો સફળ થયા નહોતા. તે પોલીસને થાપ આપવા દુબઈથી અમદાવાદની ફ્લાઇટની ટિકિટ ખરીદતો, પણ ફ્લાઇટમાં બેસતો નહીં. ક્રાઇમ બ્રાન્ચે કૌભાંડના પુરાવા અને ખૂટતી કડીઓ જોડવા માટેના પ્રયાસો શરૂ કર્યા છે. આજે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવશે. ક્રાઇમ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ખ્યાતિની કુલ આવકના 56 ટકા પગારમાં બતાવી નુકસાનમાં લઇ ગયો અને પગાર ઉપાડીને આવકનું સેટલમેન્ટ ખર્ચમાં કરી કરોડોનું કૌભાંડ આચર્યું હતું.
રિમાન્ડ માટે 12 મુદ્દા રજૂ કરવામાં આવ્યા
કાર્તિક પટેલને રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા અલગ અલગ 12 મુદ્દા રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવી હતી.
(1) સરકારે નીમેલી મેડિકલ ટીમ મુજબ 30 ટકા બ્લૉકેજ ને 80 ટકા જેટલું ઊંચું બતાવ્યું, જેથી PMJAY યોજનાના લાભ મળે
(2) છેલ્લા 956 જેટલા દિવસમાં 3500થી વધુ ક્લેમ, 3800 જેટલી એન્જિઓગ્રાફી અને એન્જિઓપ્લાસ્ટી
(3) કાર્તિક પટેલ ખ્યાતિકાંડનો મુખ્ય કિંગ
(4) 51 ટકા જેટલો આરોપીનો ખ્યાતિ હોસ્પિટલમાં હિસ્સો
(5) પૈસાના વ્યવહારોની તપાસ કરવાની બાકી
(6) અમદાવાદની આસપાસના ડોક્ટરોને પૈસા આપી ખ્યાતિમાં રિફર કરવામાં આવતા
(7) PMJAY યોજનામાં સરકારી અધિકારી સામેલ છે કે નહિ, આરોપીએ કોને ગિફ્ટ કે કમિશન આપતા એની તપાસ કરવાની
(8) આયુષમાન કાર્ડ જે લોકો પાસે ના હોય તેવા લોકોને ખોટી રીતે આયુષ્માન કાર્ડ બનાવી આપતાં એની લિંક આરોપી સાથે તપાસવાની
(9) 16 કરોડથી વધુ રકમ આયુષ્માન સ્કીમમાં મેળવી એ ક્યાં ગઈ એની તપાસ કરવાની
(10) સંજય પટોલિયા, રાજ શ્રી કોઠારી અને ચિરાગ રાજપૂતને આરોપી સાથે બેસાડી તપાસ કરવાની
(11) એકાઉન્ટ અને મિટિંગોની મિનિટ બુક મેળવવાની
(12) વિદેશમાં આરોપીને કોણે રહેવાની સગવડ કરી, અહીંથી કોણ મદદ કરતું હતું, મોબાઈલ પણ મેળવવાનો બાકી
‘કાર્તિક પટેલના કહેવાથી જ બધી કામગીરી થતી હતી’ રિમાન્ડ અરજી પર દલીલ દરમિયાન સરકારી વકીલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, હોસ્પિટલમાં કાર્તિક પટેલના કહેવાથી જ તમામ કામગીરી થતી હતી. નવા કાયદા મુજબ નવા પકડાયેલા આરોપીને આગાઉ પકડાયેલા આરોપી સાથે રાખીને પૂછપરછ કરવી હોય તો રિમાન્ડ માગી શકાય છે. સહઆરોપીના નિવેદનમાં જણાવેલી બાબતોની તપાસ માટે આરોપીની જરૂર છે.
આરોપીના વકીલની દલીલ
આરોપીના વકીલ અંકિત શાહે રજૂઆતમાં જણાવ્યું હતું કે, રિમાન્ડ આપવા કે નહીં એ કેસની હકીકત અને પુરાવા પર આધારિત હોય છે. કયા સંજોગોમાં રિમાન્ડ ન આપી શકાય એ માટે જયરાજસિંહ અંગેનો ગુજરાત હાઇકોર્ટનો ચુકાદો મૂક્યો હતો.
(1) કેટલાક લોકોનાં તો મફત ઓપરેશન કરાયાં, જો પૈસા જ કમાવવા હોત તો આવું કેમ કરત?
(2) લોકોના લાભ માટેની સરકારી સ્કીમ હોવાથી એના પ્રચાર અને પ્રસાર માટે મેડિકલ કેમ્પ યોજતા હતા.
(3) નાણાકીય વ્યવહારોના કાગળિયા જોવા માટે કોઈ રિમાન્ડની જરૂર નહિ, પૈસા ચેકથી આવ્યા. અગાઉ આઠ આરોપી ઝડપાયા જ છે.
નંબર સાથે કહ્યું- હા, સાહેબ મારી સામે EDનો કેસ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં આવેલો કાર્તિક પટેલ પોપટની જેમ બોલવા લાગ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ જ્યારે તેને પૂછી રહી હતી કે, તારી સામે ત્રણ ફરિયાદ અમદાવાદમાં અને એક પ્રોહિબિશનનો ગુનો નોંધાયો છે ત્યારે તેણે સામેથી કહ્યું કે, મારી સામે હજી એક ઈડીનો ગુનો છે અને એ કેસનો નંબર પોપટની જેમ ક્રાઈમ બ્રાન્ચના અધિકારી સામે બોલવા લાગ્યો હતો એટલે તેને તમામ વાતની ખબર હતી કે તે હવે કોઈપણ રીતે બચી શકશે નહીં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી પ્રમાણે જ્યારે કાર્તિક પટેલને ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડી લઈ રહી હતી. ત્યારે નિયમ પ્રમાણે આરોપીની ધરપકડ બાદ તેના પરિવારને જાણ કરવાની હોય છે, પરંતુ તેના પરિવારનો કોઈપણ સભ્ય તેને જોવા આવ્યો નહીં. કરોડોની મિલકત ધરાવતો હોવા છતાં તે સામાન્ય કેદીઓ માટે આવતું ટિફિન જમશે. અનેક પ્રશ્નોના જવાબમાં ગોળ ગોળ ફેરવતો કાર્તિક પટેલની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ પૂછપરછ કરી રહ્યા છે.