હળવદનાં ગ્રામ્ય વિસ્તારોમાં ડબલ ઋતુંનો કહેર જોવા મળ્યો છે અને મચ્છર જન્ય રોગોએ તરખાટ મચાવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. તાલુકાના નવા ઈશનપુર ગામે ડેન્ગ્યુ અને મેલેરિયા તાવના કેસો નોંધાયા છે જેમાં 1500ની આસપાસ વસ્તી ધરાવતા ગામમાં 80 જેટલાં ડેંગ્યુ કેસ નોંધાયા છે અને આરોગ્ય વિભાગની ટીમને હવે ખબર પડતાં હરકતમાં આવ્યું છે અને સર્વે હાથ ધરવામાં આવ્યો છે.
ચોમાસામાં વરસાદી પાણીના નિકાલ માટે આરોગ્ય વિભાગ જનજાગૃતિ અભિયાન ચલાવવામાં નિષ્ફળ નીવડયુ હોય તેમ તાલુકામાં મચ્છર જન્ય સતત ડેન્ગ્યુ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે અને એકબાજુ વરસાદમાં ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે અને બીજી બાજુ આવા સારવાર પાછળ ખર્ચા કરવા લોકો મજબૂર બન્યા છે.
હળવદનાં નવા ઈશનપુરમાં આસરે 1500ની વસ્તી છે એમાં પણ 80 જેટલાં લોકો ડેંગ્યુ રોગમાં સપડાયા છે ત્યારે આરોગ્ય વિભાગની ટીમ હવે હરકતમાં આવીને આરોગ્ય વિભાગની ટીમે સર્વે શરૂ કર્યો છે અને રિપોર્ટ ચકાસણી શરૂ કરી છે.
નવા ઈસનપુરમાં રહેતા હરખાભાઈ રૂગનાથભાઈ, નારણભાઈ, કાનજીભાઈ,રમેશભાઈ મકવાણા સહિતનાઓ જણાવ્યું હતું કે, અમારા ગામમાં 80 જેટલાં લોકોને ડેન્ગ્યુ કેસ પોઝિટિવ આવ્યા છે અને મોટાભાગનાં લોકો ખાનગી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. જેથી કરીને આંકડામાં ઓછા જોવા મળી રહ્યાં છે ત્યારે તાલુકા હેલ્થ ઓફિસર સહિતની ટીમ દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો છે અને 100 જેટલાં ઘરોની તપાસ કરતાં 4 ડેંગ્યુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને હજુ સર્વે ચાલુ છે અને લગભગ કાલ સુધીમાં સર્વે પૂર્ણ કરી દેવામાં આવશે.

