HomeGujaratટંકારા નજીક લજાઈ ચોકડીએ પૂર્વ મંજૂરી વગર ચક્કાજામ કરનાર 3 સામે ગુનો...

ટંકારા નજીક લજાઈ ચોકડીએ પૂર્વ મંજૂરી વગર ચક્કાજામ કરનાર 3 સામે ગુનો નોંધાયો

મોરબી-રાજકોટ હાઈવે પર બિસ્માર રસ્તા પ્રશ્ને વિરોધ પ્રદર્શન કરાતાં પોલીસની કાર્યવાહી; કાયદો અને વ્યવસ્થા જાળવવા ગુનો દાખલ
મોરબી-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી લજાઈ ચોકડી ખાતે ખરાબ રસ્તાના પ્રશ્ને પૂર્વ મંજૂરી વિના ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શન કરવા બદલ ટંકારા પોલીસે ત્રણ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, લજાઈ ચોકડી ખાતે કેટલાક લોકો દ્વારા કોઈપણ પ્રકારની વહીવટી પૂર્વ મંજૂરી લીધા વગર જ વાહનો રોકીને રસ્તો બ્લોક કરવામાં આવ્યો હતો અને હાથમાં બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યું હતું. જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ટંકારા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ થાળે પાડી ટ્રાફિક હળવો કરાવ્યો હતો.
આ મામલે પોલીસે જાહેરનામાનો ભંગ કરવા બદલ હાર્દિકભાઈ નાનજીભાઈ ઘોડાસરા (રહે. રવાપર ચોકડી, મોરબી), બંસીભાઈ દિનેશભાઈ દલસાણીયા (રહે. કન્યા છાત્રાલય રોડ, મોરબી) અને પંકજભાઈ દયારામભાઈ મસોત (રહે. લજાઈ ગામ, ટંકારા) સામે ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 અને 285 હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, હાલ હળવદ તાલુકાના કેટલાક વિસ્તારોમાં તાલુકા પંચાયતની પેટાચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હોવાથી આવા બિનઅધિકૃત વિરોધ પ્રદર્શનથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જોખમાઈ શકે તેમ હતી. જાહેરનામાનું ઉલ્લંઘન કરી વાહનવ્યવહારમાં અવરોધ ઊભો કરાતાં આ પગલું ભરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,520SubscribersSubscribe

TRENDING NOW