ભારત તેના વિવિધ ખોરાક માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં ભોજનનો સ્વાદ અને તેને રાંધવાની રીત દર સો કિલોમીટરે બદલાય છે, પરંતુ રોટલી, રોટી અથવા ચપાટી એક એવી વસ્તુ છે જે સમગ્ર ભારતમાં એકજ રીતે બનાવવામાં આવે છે. સાઈઝ પણ લગભગ બધે સરખી જ હોય છે, પરંતુ સમગ્ર ભારતમાં એકજ જગ્યા એવી છે જ્યાં દુનિયાની સૌથી મોટી રોટલી બને છે. આ રોટલી એટલી મોટી હોય છે કે આ એક રોટલીથી એક આખા ગામને ખવડાવી શકાય,
ભારતના અને તેમાં પણ ગુજરાતના જામનગર શહેરના નામે વિશ્વની સૌથી મોટી રોટલી બનાવવાનો રેકોર્ડ છે. આ બાબત ભારત અને ગુજરાત માટે એટલા માટે ગૌરવપ્રદ છે કેમકે તેનું નામ ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં પણ નોંધાયેલું છે.
ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં નોંધ:
જામનગરના દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવ દ્વારા તા. ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ ૧૪૫ કિલો વજનની રોટલી બનાવવામાં આવી હતી. આ રોટલી ૩ મીટર બાય ૩ મીટર માપની ધાતુની પ્લેટ પર બનાવવામાં આવી હતી. ગિનિસ બુક ઓફ રેકોર્ડ્સમાં તેની વિશ્વની સૌથી મોટી રોટલી તરીકે નોંધ લેવામાં આવી હતી.
જો કે, આ રોટલી રોજ બનતી નથી. તે માત્ર કેટલાક ખાસ પ્રસંગોએ જ જેમ કે દગડુ શેઠ ગણપતિ જાહેર ઉત્સવ કે જલારામ બાપાની જન્મજયંતિ પર બનાવવામાં આવે છે. જલારામ મંદિરની જીર્ણોદ્ધાર સમિતિ દ્વારા આ રોટલી બનાવવામાં આવે છે અને પછી મંદિરમાં આવનાર લોકો આ રોટલીને પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. આ ખાસ દિવસે આ રોટલી ખાવા માટે દૂરદૂરથી લોકો જામનગર આવે છે.
આટલી મોટી રોટલી કેવી રીતે બનાવાય છે ?
વિશ્વની સૌથી મોટી રોટલી બનાવવા માટે એક-બે નહીં પરંતુ ઘણી બધી મહિલાઓ ભેગી થાય છે અને કલાકોની મહેનત પછી આ રોટલી તૈયાર થાય છે. આ રોટલી બનાવવા માટે ઘઉંના લોટનો ઉપયોગ થાય છે. જ્યારે આ રોટલી તૈયાર થાય છે ત્યારે તેનું વજન ૧૪૫ કિલો સુધી પહોંચી જાય છે. સૌથી મહત્વની વાત એ છે કે આ રોટલી બનાવવા માટે મંદિર સમિતિ પાસે એક ખાસ મોટો તવો છે, જેના પર આ રોટલી બનાવવામાં આવે છે. રોટલી શેકવા માટે ઘણાં લોકો કામે લાગે છે અને રોટલી બળી ન જાય તે માટે ધીમી ઝાળ રાખવામાં આવે છે.