ચોમાસાની ઋતુ નજીક આવી રહી છે ત્યારે મોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5ના રહીશોની હાલાકી દૂર કરવા માટે પૂર્વ કાઉન્સિલર અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ સુરેશભાઈ પી. શિરોહીયા દ્વારા મોરબી મહાનગરપાલિકાના કમિશનરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં તેમણે વોર્ડના જુદા જુદા વિસ્તારોમાં મંજૂર થયેલા જુના વિકાસકામો ચોમાસું શરૂ થાય તે પહેલા જ ત્વરિત ગતિએ ચાલુ કરવા માટે ઉગ્ર માંગ કરી છે.
કમિશનરને પાઠવેલા પત્રમાં જણાવ્યા અનુસાર, વોર્ડ નં. 5ના અનેક વિસ્તારોમાં લાંબા સમયથી વિકાસના કામો અધ્ધરતાલ છે. સ્થાનીક નાગરિકો અને રહેવાસીઓની રજૂઆતોને ધ્યાને રાખીને પૂર્વ કાઉન્સિલરે જણાવ્યું છે કે, પોટરી ફાટકથી ભડિયાદ જવાના રસ્તે નવો રોડ બનાવવો અત્યંત જરૂરી છે. આ ઉપરાંત જીવરાજ પાર્ક અને બૌદ્ધનગર રોડનું નિર્માણ કરવા તેમજ જ્યાં પણ ભુગર્ભ ગટરની કામગીરી બાકી છે ત્યાં તાત્કાલિક સર્વે કરી કામ ચાલુ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.
આ વિસ્તારોમાં તાકીદે કામગીરી કરવા કરાઈ નમ્ર વિનંતી:
-
ભડિયાદ રોડ: પોટરી ફાટકથી ભડિયાદ જવાના રસ્તે નવો રોડ બનાવવો.
-
રોડ અને ગટર કનેક્શન: જીવરાજ પાર્ક અને બૌદ્ધનગર રોડ તેમજ બાકી રહેલા વિસ્તારોમાં ભુગર્ભ ગટરનું સર્વે કરી કામ શરૂ કરવું.
-
મુખ્ય રસ્તાઓનું નવીનીકરણ: સો-ઓરડી વેલનાથ ચોકથી નેશનલ હાઇવે સુધીનો માર્ગ.
-
આંતરિક રસ્તાઓ: પોટરી શાળાથી અંબિકા ચોક સુધીનો રસ્તો, ચક્કરવાળો રોડ તેમજ જવાહર સોસાયટી સહિત વોર્ડ નં. 5ના તમામ વિસ્તારોમાં બાકી કામો પૂર્ણ કરવા.
ચોમાસામાં લોકોની હાલાકી વધે તે પહેલા યોગ્ય પગલાં જરૂરી
મોરબી જિલ્લા રેલ્વે સલાહકાર સમિતિના સભ્ય અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયાએ નાગરિકો વતી કમિશનરને વંદેમાતરમ સાથે વિનંતી કરતા ઉમેર્યું છે કે, જો ચોમાસા પહેલા આ રોડ-રસ્તા અને ગટરના કામો શરૂ નહીં કરવામાં આવે તો વરસાદી સીઝનમાં સામાકાંઠાના આ વિસ્તારોમાં કાદવ-કીચડ અને પાણી ભરાવવાની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. જેથી તંત્ર દ્વારા વિલંબ કર્યા વિના લોકહિતમાં આ કામો તાકીદે હાથ ધરવામાં આવે.

