મોરબી શહેરના મુખ્ય રોડ વિસ્તાર હોય કે વોર્ડ વિસ્તાર તમામ સ્થળો પર ભૂગર્ભ ગટરના પાણીનો યોગ્ય નિકાલ ન થવાથી રોડ રસ્તા અને ઘરોમાં આવા પાણી ઘૂસવાની ફરિયાદો આવર નવાર ઉઠી રહી છે.મોરબી નગર પાલિકાના ડ્રેનેજ સફાઈ વિભાગ પાસે અલગ અલગ વિસ્તારમાં દરરોજ 15-20થી ફરિયાદો આવતી રહે છે જોકે આ માંથી ખુબ ઓછી ફરિયાદોનો નિકાલ થઈ રહ્યો હોવાના આક્ષેપો વચ્ચે આજે મોરબીના વોર્ડ નંબર 1 માં આવેલ લાયન્સ નગર વિસ્તારમાં રહેતી મહિલાઓ પાલિકા કચેરીમાં આવી પહોંચી હતી અને તેમના વિસ્તારમાં ભુગર્ભ ગટરની ઘણા સમયથી સફાઈ ન થઈ હોવાથી ભુગર્ભ ગટરના પાણી રસ્તા પર ભરાયેલા રહે છે તેમજ નીચાણ વાળા વિસ્તારમાં ઘરમાં પણ ઘુસી જતા હોય છે જેના કારણે તીવ્ર દુર્ગંધ આવતી હોવાની ફરિયાદ કરી હતી.
આ ઉપરાંત મહિલાઓએ ફરિયાદ કરી હતી કે તેમના વિસ્તારમા અડધા થી વધુ જગ્યાએ ભૂગર્ભ ગટરની લાઈન નાખવામાં જ આવી નથી જેના કારણે તેમના વિસ્તારમાં ખુલ્લામાં ગંદા પાણીના નિકાલ કરવા સ્થાનિકો મજબૂર બને છે અને તેના કારણે આ વિસ્તારમા ગંદકીના ગંજ ખડકાયેલા છે. જેના કારણે બાળકોથી લઈ વૃધ્ધ તમામ લોકોનું આરોગ્ય જોખમમાં છે.
આ મુદ્દે સ્થાનિક મહિલાઓએ આમ આદમી પાર્ટીના કાર્યકર કરીમભાઈ જામ સાથે મળી પાલિકા કચેરીમાં વહિવટદારને આવેદન પત્ર આપ્યું હતું.

