ટચૂકડા મોબાઇલ ફોન કે લેપટોપને ઈન્ટરનેટ મારફતે જોડીને ઘરમાં બેસીને દુનિયાના કોઇ પણ ખૂણે રહેતા સ્વજન સાથે વાત કરતી વખતે કે નેટ બેંન્કિંગ મારફતે ઓનલાઈન ખરીદી કરતી વખતે કે ભવિષ્યમાં થનારા સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણની માહિતી વિષે અખબારોમાં વાંચતી વખતે કયારેય આપણને વિજ્ઞાનનું મહત્વ સમજાયું છે ખરૂ ? આપણો જવાબ હશે “ના”, રોજિંદા જીવનમાં વણાઇ ગયેલા વિજ્ઞાનની ઉપયોગિતા અંગે લોકોને જાગૃત કરવા માટે સમગ્ર દેશમાં ર૮ ફેબ્રુઆરીને “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
ભારત સતત વિકાસશીલ દેશ રહ્યો છે. વર્તમાન સમયમાં ભારત દેશ વિકાસની જે હરણફાળ ભરી રહ્યો છે, તેમાં વિજ્ઞાનનો મહત્તમ ફાળો રહ્યો છે. જે-તે સમયે દેશમાં પ્રવર્તતી અંધશ્રધ્ધા દુર કરવામાં વિજ્ઞાને મહત્વનો ફાળો આપ્યો છે. વિજ્ઞાન આપણા રોજિંદા જીવનનો એક મહત્વનો ભાગ છે. આપણા હાથમાં રહેલા અવનવા ગેજેટ્સથી લઈને અવકાશ વિજ્ઞાાન સુધીની સતત વિકસતી ટેક્નૉલોજીએ વિજ્ઞાાનની અને માનવ જીવનના સતત પ્રયત્નોની સમગ્ર માનવ સમુદાયને મળેલી ભેટ છે.
૨૮ મી ફેબ્રુઆરી ૧૯૨૮માં કલકત્તાની ઇન્ડિયન ઇન્સ્ટિટયુટ ફોર ધ કલ્ટિવેશન ઓફ સાયન્સ ખાતે ભારતીય વૈજ્ઞાનિક સર ચંદ્રશેખર વેંકટરામને અવકાશ વિજ્ઞાન ક્ષેત્રે પ્રકાશના કિરણોની અલગ અલગ તરંગ લંબાઈ પર વિખેરાઈ જવાની પ્રકિયાનું ખુબ જ બારીકાઈથી અવલોકન કરી તેને લોકો સમક્ષ મુકી હતી. જે શોધને તેમના નામ પરથી ‘રામન ઈફેક્ટ’ તરીકે ઓળખવામાં આવે છે. વર્ષ ૧૯૩૦માં આ નોંધપાત્ર શોધ માટે તેમને નોબેલ પુરસ્કાર મળ્યો હતો. ભારતમાં જ સંશોધન કાર્ય કરીને નોબલ પુરસ્કાર મેળવનાર પ્રો. રામન એક માત્ર ભારતીય વૈજ્ઞાનિક હતા. તેમની શોધ પરથી વધુને વધુ બાળકો અને યુવાનોને પ્રેરણા મળે તેવા શુભાશયથી સરકાર દ્વારા દર વર્ષે નેશનલ સાયન્સ ડે ઉજવવામાં આવે છે.
ડો. ચંદ્રશેખર વેંકટરામનનો જન્મ ૭મી નવેમ્બર, ૧૮૮૮માં તામિલનાડુમાં ત્રિચિનાપલ્લી પાસે થિરૂવનાઇકકાવલ ગામમાં થયો હતો.નાનપણથી જ વિજ્ઞાન પ્રત્યે વિશેષ રુચિ હોવાથી એમણે નકકી કર્યુ હતુ કે, જીવનનું લક્ષ્ય વિજ્ઞાનને જ બનાવીશ.
પાઠ્યપુસ્તકોની સાથે-સાથે કોલેજ લાઇબ્રેરીમાં મોટા-મોટા ગ્રંથો વાંચતા હતા. તેઓ પોતાની એક પણ ક્ષણ વ્યર્થ જવા દેવા નહોતા માંગતા. પરીક્ષા પાસ કરવી તેમને માટે ગૌણ બાબત હતી પરંતુ, વિજ્ઞાનની શોધો કરવાનું તેમનું મુખ્ય લક્ષ્ય હતું.
સરકારી નોકરી કરતા હોવા છતા વિજ્ઞાનની રૂચિને કારણે તેમણે સંશોધન ચાલુ રાખ્યું કલકત્તા વિશ્વ વિદ્યાલયમાં પ્રોફેસરની નોકરીમાંથી રાજીનામું આપી સંપુર્ણ સમય વિજ્ઞાનને સર્મપીત કર્યો. ઇ.સ. ૧૯૨૧માં શરૂ થયેલી રામન ઇફેક્ટની શોધ ઇ.સ. ૧૯૨૮માં ઇન્ડિયન જર્નલ ઓફ ફિઝિકસ, કલકતામાં સર્વપ્રથમ પ્રકાશિત થઇ હતી, જેની વિધિસર ઘોષણા ૧૯૩૦માં થઇ હતી. લગભગ ૭૦૦૦ જેટલા શોધ નિબંધો અને સંશોધનો આ વિષય ઉપર પ્રકાશિત થયા છે તથા અનેક પુસ્તકો છપાયા છે.
ઇ.સ. ૧૯૩૦માં સ્વીઝર્લેન્ડની જયુરીએ ભૌતિક વિજ્ઞાનપદે એમને ફેલો બનાવ્યા.અમેરિકાની ફ્રેંકલીન ઇન્સ્ટીટયુટે એમને ફ્રેંકલીન પદકથી વિભૂષિત કર્યા. ૧૯૩૨માં રામન પ્રભાવની શોધને નોબલ પુરસ્કાર આપવામાં આવ્યો. સમસ્ત એશિયામાં આ પુરસ્કાર સર્વપ્રથમ પ્રાપ્ત કરવાનો યશ ડો.સી.વી.રામનને ફાળે જાય છે.
લોકોના રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતા વિજ્ઞાનના મહત્વ વિશે સંદેશ ફેલાવવા તેમજ મહત્તમ લોકોમાં વૈજ્ઞાનિક અભિગમ અને દ્રષ્ટિકોણ કેળવાય, ભારતમાં માનવ કલ્યાણ માટે વિજ્ઞાનના ક્ષેત્રમાં થતી તમામ પ્રવૃત્તિઓ, પ્રયાસો અને સિદ્ધિઓ આ દિવસે પ્રદર્શિત કરવામાં આવે છે. જેના પગલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પિત રીજીયોનલ સાયન્સ સેન્ટર-રાજકોટમાં ‘IDEA એક્સિબિશન’ અંતર્ગત રાજકોટનાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર સર્વશ્રેષ્ઠ કૃતિઓના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેની થીમ ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલ ‘નીતિ આયોગ’ના ભાગરૂપ પ્રોજેક્ટ એવાં ‘ગ્લોબલ મિશન : LiFE (લાઈફ સ્ટાઈલ ફોર એન્વાયરમેન્ટ) તથા યુનાઇટેડ નેશન્સ દ્વારા આપવામાં આવેલ ૧૭ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલ્સ (ટકાઉ વિકાસના લક્ષ્યાંકો)ને અનુરૂપ રાખવામાં આવી છે.ઉપરાંત વિવિધ વૈજ્ઞાનિક વિષયો આધારિત કાર્યશાળા, નિષ્ણાંતો સાથે વૈજ્ઞાનિક વાર્તાલાપ, સર સી.વી.રામનના જીવનચરિત્ર પર આધારિત વિજ્ઞાનનાટિકા તથા આધુનિક ટેલિસ્કોપ દ્વારા આકાશદર્શન વગેરે જેવા કાર્યક્રમોનું પણ જાહેર જનતા માટે આયોજન કરવામાં આવ્યુ છે.
પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રનું ૧૯ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ હાલ સુધીમાં કુલ ૬૯,૪૩૧ થી વધુ લોકોએ મુલાકાત લીધી છે.જેમાં ઓક્ટોબર માસમાં ૧૦,૦૭૧, નવેમ્બર માસમાં ૧૪,૭૫૫, ડિસેમ્બર માસમાં ૧૦,૩૬૦, જાન્યુઆરી માસમાં ૧૭,૦૧૧ અને ફેબ્રુઆરી માસમાં ૮,૦૦૦ જેટલા થઈને કુલ ૩૭,૮૪૫ શહેરીજનો અને ૩૧,૫૮૭ વિદ્યાર્થીઓએ કેન્દ્રની મુલાકાત લઈ જ્ઞાન મેળવ્યું હતું.
“નેશનલ સાયન્સ ડે” એ ભારતમાં વિજ્ઞાનને લગતા ઉજવાતા તહેવારો પૈકીનો મુખ્ય તહેવાર છે. આ દિવસે વિવિધ શાળાઓ, કોલેજો તથા યુનિવર્સિટીઓમાં વિજ્ઞાનને લગતા વિવિધ પ્રોજેક્ટસનું પ્રદર્શન યોજવામાં આવે છે. આ ઉપરાંત, રાજ્ય સરકાર દ્વારા રેડીયો-ટીવી પર વિવિધ કાર્યક્રમો પ્રસારીત કરવામાં આવે છે તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા વિજ્ઞાનને લગતી ચર્ચાઓ,સાયન્સ ક્વિઝ, સાયન્સ મુવીઝ વગેરેનું ૫ણ નિદર્શન કરવામાં આવે છે.

