સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા પાસે ગૌરક્ષકો અને પોલીસ પ્રશાસને ફિલ્મી ઢબે પીછો કરી કતલખાને લઈ જવાતા ૩૮ જેટલા અબોલ જીવો ભરેલી આઇસર ગાડી ઝડપી પાડી છે. આ કામગીરી દરમિયાન પાયલોટિંગ કરી રહેલા શખ્સો દ્વારા હુમલાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ પોલીસે સમયસૂચકતા વાપરી મામલો થાળે પાડ્યો હતો.
ગઈકાલે રાત્રે કચ્છ તરફથી માળિયા થઈને અમદાવાદ તરફ એક આઇસર ગાડી (નંબર: GJ-06-AT-8168) માં અબોલ જીવોને ક્રૂરતાપૂર્વક ભરીને કતલ કરવાના ઈરાદે લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. આ માહિતી મળતા જ મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ (દિલ્હી), કચ્છ ગૌરક્ષક અને ધાંગધ્રા ગૌરક્ષકોની ટીમ સતર્ક થઈ ગઈ હતી.
વોચ દરમિયાન બાતમી મુજબની ગાડી દેખાતા ગૌરક્ષકોએ તેને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી હંકારી મુકી હતી. માળિયાથી હળવદ થઈ ધાંગધ્રા સુધી આ ગાડીનો પીછો કરવામાં આવ્યો હતો. અંતે ધાંગધ્રા નજીક ગાડીને આંતરીને ચેક કરતા તેમાંથી અત્યંત દયાજનક હાલતમાં ખીચોખીચ ભરેલા ૩૮ જીવ મળી આવ્યા હતા.
કાર્યવાહી દરમિયાન ગૌરક્ષકોને ડરાવવા માટે પાયલોટિંગ કરી રહેલી અન્ય ૩ ગાડીઓ ત્યાં ધસી આવી હતી અને હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ધાંગધ્રા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જતાં મોટી હોનારત ટળી હતી. પોલીસે એક આરોપીની અટકાયત કરી છે અને ગાડી સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે.
તમામ ૩૮ અબોલ જીવોને સુરક્ષિત રીતે મહાજન પાંજરાપોળમાં મોકલી આપવામાં આવ્યા છે. ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં ધાંગધ્રા પોલીસ પ્રશાસન અને અધિકારીઓનો સહકાર પ્રશંસનીય રહ્યો હતો.

