વિવિધ કંપનીઓ, કારખાનેદારો અને મોટી પેઢીઓએ સ્ટાફ માટે મીઠાઇના 50 હજારથી વધુ બોક્સના ઓર્ડર દીધા નવલી નવરાત્રીના પવિત્ર પર્વની મંગળવારે પૂર્ણાહૂતિ થતા રંગીલા રાજકોટવાસીઓ સહિત સૌરાષ્ટ્રભરના લોકો દ્વારા બુધવારે દશેરાની ધમાકેદાર ઉજવણી કરવામાં આવનાર છે.
ભાવ વધારાની ઓછી અસર: વર્ષથી કોરોના મહામારીને કારણે તહેવારોની ચમક ફીકી રહ્યા બાદ આ વર્ષે નવરાત્રી બાદ દશેરાની પણ રાજકોટવાસીઓ દ્વારા જલેબી-ફાફડા અને વિવિધ પ્રકારની મીઠાઇઓ આરોગી મધુરી ઉજવણીનું આયોજન કરાયું છે. દશેરાના દિવસે 1 લાખ કિલો મીઠાઇ રંગીલા રાજકોટવાસીઓ ઝાપટી જશે તેવો અંદાજ શહેરના અગ્રગણ્ય ડેરી સંચાલકોએ વ્યકત કર્યો છે.રાજકોટ શહેરના અગ્રગણ્ય ડેરી સંચાલક અને મીઠાઇના વેપારી જગદિશભાઇ પટેલ તથા દિપભાઇએ જણાવ્યું હતું કે ડેરી સંચાલકો દ્વારા ચાર મહિના પહેલા મીઠાઇના ભાવમાં કિલોએ રૂા. 20 થી 50નો ભાવ વધારો કરવામાં આવ્યો હતો જે યથાવત રાખવામાં આવ્યો છે. આ ભાવ વધારાની વેપાર પર ખાસ અસર દેખાશે નહીં.
ડેરીઓમાં દશેરાના દિવસે બે પ્રકારની મીઠાઇઓનો વેપાર કરવામાં આવે છે. જેમાં એક મીઠાઇનો એક કિલોનો ભાવ રૂા. 400 થી 500 હોય છે જેનો વેપાર 80 ટકા થાય છે. જ્યારે બીજી ડ્રાયફ્રૂટ, કાજૂ-બદામની બનેલી મીઠાઇ હોય છે જેનો એક કિલોનો ભાવ રૂા. 1100 થી 1200 આસપાસ હોય છે જેનો વેપાર 20 ટકા જેવો થાય છે.

