રાસ ગરબા શીખવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત, ફ્રી ગરબા કલાસીસમાં જોડાવવા માટે વહેલી તકે મોબાઈલ ફોન ઉપર કે વ્હોટ્સએપમાં નોંધણી કરવા અપીલ
મોરબી : માં નવદુર્ગાની ઉપાસનાના મહાપર્વ સમાન નવરાત્રી મહોત્સવ નજીક આવી રહ્યો હોય તેમાંય બે વર્ષ પછી ખેલૈયાઓને રાસ ગરબે ઝૂમવાનો અવસર મળી રહ્યો હોવાથી ઠેરઠેર ડાંડિયા રાસના કલાસીસનું આયોજન થયું છે ત્યારે મોરબીની મહિલાઓ માટે યંગ ઈન્ડિયા ગ્રુપના મહિલા વિંગ દ્વારા નિ:શુલ્ક દાંડિયા કલાસિસનું આયોજન કરવામાં આવ્યું છે.
મોરબીમાં વર્ષોથી સામાજિક ક્રાંતિથી દેશની ઉન્નતિ માટે યોગદાન આપતા અને ખાસ કરીને લાંબા સમયથી આદ્યશક્તિની આરાધનાના મહાપર્વમાં સર્વધર્મ સમભાવનાની ભાવનાને સાર્થક કરી દરેક વર્ગની બહેનો સુરક્ષિત અને પારિવારિક વાતાવરણમાં ગરબે ઝૂમી શકે તે માટે સંકલ્પ નવરાત્રી મહોત્સવનું આયોજન કરતા જાણીતા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ વખતે દરેક વર્ગની નાની બાળાથી માંડીને મહિલાઓ માટે વિનામુલ્યે ડાંડિયા રાસ શીખવવા માટેના કલાસીસનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે, નવરાત્રી મહોત્સવમાં દરેક વખતે અવનવા સ્ટેપ્સ આવે છે. ખાસ કરીને યુવતીઓમાં નવા નવા ડાંડિયા રાસના સ્ટેપ્સ શીખવવા માટે જબરી ઉત્કંઠા હોય છે પણ ડાંડિયા રાસ કલાસીસની ફી બધાને પરવડતી નથી એટલે જ યંગ ઈન્ડિયા ગ્રુપ દ્વારા વિનામૂલ્યે રાસ ગરબાના કલાસીસનું આયોજન કરાયું છે જેમાં તજજ્ઞો દ્વારા રાસ ગરબાના જુના અને નવા સ્ટેપ્સની સઘન તાલીમ આપવામાં આવશે. આ કલાસીસમાં જોડાવવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે. આથી વહેલા તે પહેલાના ધોરણે યંગ ઇન્ડિયા ગ્રુપના મહિલા વીંગના કાજલબેન – 98254 88733, ધરતીબેન – 98259 41704, નિરાલીબેન – 81416 80092 અને મયુરીબેન – 92759 51954 ના મોબાઈલ નંબરમાં કોલ અથવા વ્હોટ્સએપથી નોંધણી કરવા મહિલાઓને અપીલ કરવામાં આવી છે.

