મોરબી વન અને પર્યાવરણ વિભાગ તેમજ સામાજીક વનીકરણ વિભાગ-રાજકોટના સંયુક્ત ઉપક્રમે ૭૩ માં વન મહોત્સવ અંતર્ગત મોરબી જીલ્લા કક્ષાના વન મહોત્સવ-૨૦૨૨નું આયોજન ટંકારા તાલુકાના લજાઈ ગામે આવેલ માનવમંદિર ખાતે કરવામાં આવ્યું હતું.
વન મહોત્સવ એટલે પ્રકૃતિના સંવર્ધનનો ઉત્સવ દર વર્ષે સરકાર દ્વારા વન મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જેના અનુસંધાને રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાની અધ્યક્ષતામાં મોરબી જીલ્લા કક્ષાના વન મહોત્સવનું આયોજન ટંકારા તાલુકાના લજાઈ ખાતે માનવમંદિરના પટાંગણમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે પર્યાવરણ તેમજ પ્રકૃતિ સંવર્ધન માટે કરેલી શ્રેષ્ઠ કામગીરી બદલ શ્રેષ્ઠીઓનું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમનું સ્વાગત પ્રવચન નાયબ વન સંરક્ષક, ગાંધીનગર આર.આર. ચૌધરીએ કર્યું હતું તથા કાર્યક્રમનું સંચાલન દિનેશભાઈ વડસોલાએ કર્યું હતું. આ તકે તમામ ઉપસ્થિત મહાનુભવો તથા હાજર લોકોએ મુખ્યમંત્રીનો સુરેન્દ્રનગરથી વન મહોત્સવનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર જે.બી.પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, મામલતદાર સખીયા, આર.એફ.ઓ. જયદીપસિંહ જાડેજા, માનવમંદિર સંસ્થાના પ્રમુખ પોપટલાલ કગથરા, ઉપપ્રમુખ ગોપાલભાઈ ચારોલા, સંસ્થાના મંત્રી પી.એ. ગોહિલ સહીત ટ્રસ્ટીઓ, અગ્રણીઓ, સ્થાનિક અગ્રણીઓ, આસપાસના ગામોના ગ્રામજનો તેમજ શાળાઓના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

