મોરબી શહેરના હાર્દસમા વિસ્તાર શનાળા રોડ પર આવેલ સરદારબાગ સામેના પાર્કીંગમાં વહેલી સવારથી શાકમાર્કેટ યોજાઈ છે. આ વિસ્તારમાં વિવિધ શાળા-કોલેજો આવેલ છે જેથી સવારના સમયમાં ટ્રાફીકજામ તથા પાર્કીંગના પ્રશ્નો ઉપસ્થિત થતા હોય છે ત્યારે મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આ શાકમાર્કેટને અન્યત્ર ખસેડવા અંગે મોરબી નગરપાલિકાને લેખિત રજુઆત કરવામાં આવી છે.
કોરોના મહામારી જ્યારે સર્વત્ર વ્યાપેલ હતી ત્યારે સરકાર દ્વારા શાળા-કોલેજો બંધ રાખવા ફરમાન કરવામાં આવ્યુ હતું જે સમયે મોરબી નગરપાલીકા દ્વારા શહેરના સરદારબાગ સામેના પાર્કીંગમાં શાક માર્કેટ યોજવા અંગે વ્યવસ્થા કરવામાં આવી હતી પરંતુ આજે શાળા-કોલેજો શરૂ થયાને ઘણો સમય થયો હોવા છતાં શાક માર્કેટ મુદે પાલીકા દ્વારા કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેથી વહેલી સવારે ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાય છે તેમજ તે વિસ્તારમાં વિવિધ શાળા કોલેજો તેમજ હોસ્પીટલો પણ આવેલ છે. વિદ્યાર્થીઓ તેમજ હોસ્પીટલ પર આવતા દર્દીઓને પાર્કીંગની જગ્યા મળતી નથી જેથી આડેધડ વાહન પાર્કીંગ થવાથી ટ્રાફીકનો પ્રશ્ન સર્જાય છે. તે ઉપરાંત ઠેર-ઠેર કચરાના ગંજ ખડકાતા ગંદકીના પ્રશ્નો પણ ઉપસ્થિત થયા છે તેમજ વિદ્યાર્થીઓના આરોગ્ય તેમજ જનઆરોગ્ય સામે પ્રશ્ન ઉપસ્થિત થયો છે. આ પરિસ્થિતીમાં વિદ્યાર્થીઓના હિતમાં તેમજ હોસ્પીટલમાં આવતા દર્દીઓના હિતમાં શાકમાર્કેટ અન્યત્ર ખસેડવામાં આવે તેવી માંગને લઈને મોરબીની કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા નગરપાલીકાને આવેદન આપવામાં આવ્યું હતું અને મોરબી નગરપાલીકાના અધિકારી દ્વારા આ બાબતે યોગ્ય કરવા ખાતરી આપવામાં આવી હતી.

