એલઆરડીની ભરતીનું વેઇટિંગ લિસ્ટ ક્યારે બહાર પડે તેની રાહ જોતા ઉમેદવારો માટે સરકારે રાહતની જાહેરાત કરતા ટૂંક સમયમાં તેને બહાર પાડવાની જાહેરાત કરી છે. ગૃહ વિભાગ દ્વારા એપ્રિલ મહિનામાં પણ તાત્કાલિક વેઇટિંગ લિસ્ટ બહાર પાડીને નિમણૂકો આપવાની જાહેરાત કરાઇ પરંતુ જુલાઇ મહિના સુધી તેનો અમલ કરાયો ન હતો. ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ઉમેદવારોએ ધરણાં પ્રદર્શન પણ શરૂ કર્યા હતા ત્યારે હવે લિસ્ટ તૈયાર થઇ રહ્યું હોવાનું કહેવામાં આવ્યું છે.

આઇપીએસ અધિકારી વિકાસ સહાયે સોશિયલ મીડિયામાં એલઆરડી ભરતીનું વેઇટિંગ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું છે. તેમણે ગૃહ વિભાગની સૂચનાથી 2018ની લોક રક્ષક ભરતીના ઉમેદવારોની પ્રતીક્ષા યાદી તૈયાર કરીને ટૂંક સમયમાં એલઆરડી ગુજરાતની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તેમ પણ જાહેર કર્યું છે. જેના કારણે લાંબા સમયથી લિસ્ટ બહાર પડવાની રાહ જોતા ઉમેદવારોએ તેને આવકાર પણ આપ્યો છે. અગાઉ બે વખત આ રીતે એલઆરડીની ભરતીમાં જ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવાની જાહેરાત છતાં અમલ કરાયો ન હતો. એલઆરડી માટે 12 હજાર જેટલી ભરતીની જાહેરાત કરાઇ હતી તેના 20 ટકા મુજબ 2400 જેટલા ઉમેદવારોનું વેઇટિંગ લિસ્ટ જાહેર કરવામાં આવશે.

