મોરબી: વિકાસ એટલે માત્ર માર્ગોનું નિર્માણ નહીં, પરંતુ નાગરિકોની દૈનિક સફરને સરળ, સુરક્ષિત અને સુખદ બનાવવી. સરકાર દ્વારા નાગરિકોની સુખાકારી અને વહીવટી પારદર્શિતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને સતત જનકલ્યાણકારી પ્રોજેક્ટ્સ અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. જે અન્વયે મોરબી શહેરના વ્યસ્ત અને મહત્વપૂર્ણ એવા મહેન્દ્રનગર ચોકડી ખાતે ભારે વાહનોની અવરજવરના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યાના કાયમી નિવારણાર્થે અંદાજિત રૂ. 56 કરોડના માતબર ખર્ચે 750 મીટર લાંબા ફ્લાયઓવર બ્રિજનું નિર્માણ કામ પ્રગતિના પંથે છે અને તેની કામગીરી માર્ચ-2027માં સંભવિત પૂર્ણ થશે.
સમસ્યામાંથી મુક્તિ અને સુગમ વાહનવ્યવહારનું આયોજન
મોરબી ઉદ્યોગ અને વેપારનું મોટું કેન્દ્ર હોવાથી અહીં ભારે લોડિંગ વાહનોની સતત અવરજવર રહે છે, જેના કારણે મહેન્દ્રનગર ચોકડી પર અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે અને સ્થાનિક નાગરિકો તથા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ નવો ફ્લાયઓવર હળવદ તરફથી નેશનલ હાઈવે તરફના માર્ગને સીધો વાંકાનેર-માળિયા નેશનલ હાઈવે સાથે જોડશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થવાથી મોરબી-હળવદ રોડ અને મોરબી-જેતપર રોડના મહત્વપૂર્ણ ચાર રસ્તા પર વાહનવ્યવહાર સંપૂર્ણપણે સુગમ અને અવરોધમુક્ત બનશે.
મહેન્દ્રનગર ચોકડી પર 750 મીટર લંબાઈના આ ફ્લાયઓવરના નિર્માણથી ટ્રાફિકનું ભારણ ઘટશે તેમજ અકસ્માતોની સંભાવના નહિવત થઈ જશે. નાગરિકોનો કિંમતી સમય બચશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. સરકારના આ દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજનથી વિકાસના આ નવા પથ પર અગ્રેસર મોરબી શહેર હવે ટ્રાફિક મુક્ત બનવા તરફ આગળ વધી રહ્યું છે.

