ગેસ સિલિન્ડરની વધેલી કિંમતોના આંચકામાંથી જનતાને રાહત આપવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે. સરકાર દ્વારા લેવામાં આવેલા આ પગલાથી તમારા રસોડાના બજેટમાં થોડી રાહત મળવાની આશા છે. સરકારે રાંધણ તેલના ભાવમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે.
વૈશ્વિક માર્કેટમાં ભાવ ઘટયા: હકીકતમાં, વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ભાવમાં તીવ્ર ઘટાડા વચ્ચે, સરકારે રાંધણ તેલ કંપનીઓને આયાતી રાંધણ તેલની મહત્તમ છૂટક કિંમતમાં 10 રૂપિયાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારે કંપનીઓને આગામી સપ્તાહથી જ રાંધણ તેલના છૂટક ભાવમાં ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. તે જ સમયે, સરકારે કંપનીઓને કહ્યું છે કે, એક બ્રાન્ડની તેલની કિંમત આખા દેશમાં સમાન હોવી જોઈએ.

આયાત થાય છે: ભારત તેની જરૂરિયાતના 60 ટકાથી વધુ રસોઈ તેલની આયાત કરે છે. છેલ્લા કેટલાક સમયથી એવું જોવામાં આવી રહ્યું છે કે વૈશ્વિક બજારમાં રસોઈ ખાદ્યતેલની કિંમતો સારી રીતે નીચે આવી ગઈ છે. આવી સ્થિતિમાં સરકારે સ્થાનિક સ્તરે પણ તેલની કિંમતોમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.
ઘટાડો: રાંધણ તેલ ઉત્પાદકોએ ગયા મહિને રાંધણ તેલના ભાવમાં પ્રતિ લિટર રૂ. 10 થી 15નો ઘટાડો કર્યો હતો. આ સાથે કંપનીઓ દ્વારા તેલની MRPમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક સ્તરે ખાદ્યતેલના ભાવમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને, ખાદ્ય સચિવે પ્રવર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે તમામ ખાદ્ય તેલ એસોસિએશન અને મુખ્ય ઉત્પાદકોની બેઠક બોલાવી હતી. ચર્ચા પછી, કંપનીઓને એમઆરપી ઘટાડવા અને વૈશ્વિક કિંમતોમાં ઘટાડો થવાનો લાભ ગ્રાહકોને આપવાનું કહેવામાં આવ્યું હતું.

