વડાપ્રધાન મોદીએ ભીમાવરમમાં સંબોધન બાદ આંધ્ર પ્રદેશના પ્રમુખ સ્વતંત્રતા સેનાની પાસાલા કૃષ્ણમૂર્તિના પરિવાર સાથે મુલાકાત કરી હતી. મોદીએ વ્હીલચેરમાં બેસેલી તેની 90 વર્ષની પુત્રી પાસાલા કૃષ્ણ ભારતીને પગે લાગ્યા હતાં. સ્વતંત્રતા સેનાનીની બહેન અને ભત્રીજાને પણ મળ્યા હતા.

પાસાલા કૃષ્ણમૂર્તિનો જન્મ 26 જાન્યુઆરી 1900માં થયો હતો. માર્ચ 1921માં મહાત્મા ગાંધી જ્યારે વિજયવાડા ગયા હતા ત્યારે કૃષ્ણમૂર્તિ અને અંજલક્ષ્મી કોંગ્રેસમાં શામેલ થયા હતા. પાસાલા કૃષ્ણમૂર્તિ અને તેની પત્ની અંજલક્ષ્મીએ સત્યાગ્રહ, સવિનય અવજ્ઞા આંદોલન વિગેરેમાં ભાગ લીધો હતો. ઘણી વખત જેલમાં પણ ગયા હતાં. પાસાલાએ ખાદીના પ્રસાર માટે કરવામાં આવેલી લડાઈથી પણ ઓળખવામાં આવે છે.

પ્રધાનમંત્રીએ ભીમાવરમમાં અલ્લુરી સીતારામ રાજુની 30 ફૂટ ઉંચી કાંસાની પ્રતિમાનું અનાવરણ કર્યાં બાદ પોતાના સંબોધન દરમયાન કહ્યું હતું કે, આંધ્ર પ્રદેશ વિરો અને દેશભક્તોની ધરતી છે. અહીંયા પીંગલી વેંકૈયા જેવા સ્વાધિનતા નાયક થયા છે. જેણે દેશનો ધ્વજ તૈયાર કર્યો હતો. આ કન્નેગંટી હનુમંતું, કન્દુકૂરી વિરેસલિંગમ પંતુલુ અને પોટ્ટી શ્રીરામૂલુ જેવા નાયકોની ધરતી છે.

પીએમ મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધન કરતા જણાવ્યું હતું કે સીતારામ રાજુના જન્મથી લઈને તેના બલિદાન સુધીની તેમની જીવન યાત્રા આપણા માટે એક પ્રેરણારૂપ છે. તેણે પોતાનું જીવન આદિવાસી સમાજના અધિકારો માટે અને તેના સુખ, દુઃખ માટે અને દેશની આઝાદી માટે અર્પીત કરી દીધું.

