આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસના નેતાઓને દિલ્હીથી હાઇકમાન્ડનું તેડું આવતા અડધો ડઝનથી વધુ કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે. જેમાં જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, અમિત ચાવડા, પરેશ ધાનાણી, દિપક બાબરીયા સહિતના નેતાઓ દિલ્હી પહોંચ્યા છે.
સમીક્ષા થશે: જ્યાં KC વેણુગોપાલ, પ્રિયંકા ગાંધી, પી. ચિદંમ્બરમ સહિતના નેતાઓ સાથે વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ માટે બેઠક યોજાશે. તો પ્રભારી રઘુ શર્મા ગુજરાત કોંગ્રેસના આયોજનો અંગે પ્રેઝન્ટેશન રજૂ કરશે અને ચૂંટણીલક્ષી તૈયારીઓની સમીક્ષા કરશે.

ઠાકોરે શું કહ્યું: જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનશે તો પેપર કૌભાંડમાં સંડોવાયેલ શખ્સોને પાતાળમાંથી શોધી કાઢવામાં આવશે. તેની વિરુદ્ધ પગલાં ભરવામાં આવશે. જો સરકાર બની તો પેપર ફોડનારે રાજ્ય છોડવું પડશે. જો આ પેપર ફોડનારા ગુજરાત છોડી ભાજપ શાસિત રાજ્યમાં પણ જતા રહેશે તો અમે તેમને ત્યાંથી પણ પકડી તેની વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. વધુમાં જગદીશ ઠાકોરે ઉમેર્યું હતું કે, બેરોજગારી, પેપરલીક અને ડ્રગ્સના દૂષણ સામે અમે તાકાતથી અવાજ ઉઠાવીશું અને યુવાનોને થતા અન્યાય સામે કોંગ્રેસ આંદોલન કરશે.

