દિન પ્રતિદિન મોંઘવારીનું પ્રમાણ વધી રહ્યું છે. જીવન જરૂરીયાતની દરેક વસ્તુઓના ભાવો આસમાને પહોંચી ગયા છે. આ વર્ષે કેરીના ભાવો પણ આસમાને પહોંચી ગયા છે. ત્યારે વાડીમાંથી કોઈ કેરીની ચોરી કરે નહીં તે માટે વાડી માલિકે સીસીટીવી કેમેરા લગાવી દીધા છે.

સીસીટીવી કેમેરા આપણે કોર્પોરેટ ઑફિસમાં કે રહેણાંક વિસ્તારો, મોલ મલ્ટીપ્લેક્સના પાર્કિંગમાં જોયા હશે પરંતુ હવે તો ખેતરો અને વાડીઓમાં પણ સીસીટીવી કેમેરા લગાવવાનો વારો આવ્યો છે. કારણ કે મોંઘવારી અને ગ્લોબલ વોર્મિંગ. વલસાડના એક વાડી માલિકે કેરીનો પાક બચાવવા માટે વાડીમાં સીસીટીવી લગાવ્યા. 4 એકરની વાડીંમાં 8 સીસીટીવી લગાવ્યા છે જેને કારણે ઘરે બેઠા તેઓ પોતાની વાડીની રખેવાળી કરી શકે.

આ વર્ષે કેરીનો પાક ઓછો ઉતર્યો છે. કમોસમી વરસાદ અને બિનઅનુકૂળ વાતાવરણને કારણે કેરી જોઇએ તેટલા પ્રમાણમાં થઇ નથી. માત્ર 15 ટકા જ પાક બચ્યો છે. આથી આ કેરી પણ કોઇ ચોરી ન જાય તેવી ચિંતા તેમને સતાવતી હતી. આથી તેઓએ વાડીમાં સીસીટીવી લગાવવાનું નક્કી કર્યું. આ કારણે વાડીમાં કેરીની ચોરી અટકી હોવાનો પણ દાવો થઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા લીંબુના ભાવો પણ આસમાને પહોંચી ગયા હતા. ત્યારે યાર્ડમાંથી લીંબુની ચોરી થવાના પણ બનાવો બન્યાં હતાં.

