વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યનું રાજકારણ દિવસે દિવસે ગરમાઈ રહ્યું છે. સત્તાધારી પક્ષ ભાજપને ધોબી પછડાટ આપવા માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને કમર કસી રહ્યા છે. હવે કોંગ્રેસ બાદ AAP-BTPનું ગઠબંધન થાય એવા વાવડ મળી રહ્યા છે. તા.1 મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ નિમિતે સુરત જિલ્લાના કામરેજ ખાતે આમ આદમી પાર્ટી અને BTPનું સંમેલન યોજાશે. જેમાં કંઈક રાજકીય નવાજૂની થવાના એંધાણ છે.
આ મહાસંમેલનમાં મહાગુજરાતની રાજનીતિ અંગે સંકલ્પ લેવાશે, વિધાનસભાના ભણકારા વાગી રહ્યા છે ત્યારે જૂનાજોગી કહેવાતા છોટું વસાવા સક્રિય થયા છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ જિલ્લાના ચંદેરિયા ખાતે BTP આમ આદમી પાર્ટી સાથેના ગઠબંધન મુદ્દે એક મહત્ત્વની બેઠક કરી ત્રીજો મોરચો ઊભો કરવા પગલાં લીધા છે. જેમાંથી ગઠબંધનની જાહેરાત કરાશે. આ બેઠકમાં BTP સૌરક્ષક ઝઘડિયાના ધારાસભ્ય છોટુ વસાવા, BTPના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશ વસાવા,સહિત મોટી સંખ્યામાં BTPના કાર્યકરો એક બેઠક દરમિયાન હાજર રહ્યા હતા. છોટુ વસાવાએ કહ્યું હતું કે, આટલા વર્ષો થયા ગુજરાતમાં ભાજપે શાસન કર્યું.એસ.સી, એસટી, ઓબીસી, માયનોરિટીનાં જે લોકોને એને કોઈ પ્રકારના લાભ મળ્યા નથી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાત બોલાવીને રેલીઓ કરી રહ્યા છે કારણ સત્તા પર આવી નિષ્ફળ ગયા છે. ભાજપે રામનવમીના દિવસે હિન્દુ મુસ્લિમ વચ્ચે ડખા કરાવીને મત લેવા માટે કાવતરૂ ઘડ્યું છે. સતત ખાનગીકરણને કારણે ગરીબો અને મૂળજાતિના લોકો આર્થિક રીતે મરી રહ્યા છે. આપ પાર્ટીની વિકાસની ફોર્મ્યુલા અને મફત શિક્ષણ-આરોગ્ય-પાણીની યોજનાથી પ્રભાવિત થઈ ગઠબંધન કરવાના છે. જોકે, હકીકત એવી પણ છે કે, છોટુ વસાવાએ દિલ્હી જઈને આમ આદમી પાર્ટીના મોટાનેતા કેજરીવાલ સાથે બેઠક યોજી હતી. ભાજપ કોંગ્રેસની ભઠ્ઠી દેશમાં ગરમ થઈ ગઈ છે એને ઠંડી પાડવા આપ- BTPનું ગઠબંધન કરી 1 મે ના રોજ મોટું સંમેલન કરવાના છીએ.
BTP ના અધ્યક્ષ મહેશ વસાવા એ પણ ભાજપ કોંગ્રેસ પર પ્રહાર કરતા સ્પષ્ટતા કરી કે, નવા ગુજરાત સંકલ્પનું નામ આ આવનારા સમયમાં દેવાશે. આપ સાથે હાલ વાતચીત થઇ રહી છે કારણ કે જેમ સગાઇ કરતા પહેલા જેમ છોકરી છોકરાને જોવામાં આવે અને બંને વચ્ચે સગાઇ થયા બાદ લગ્ન નક્કી કરવામાં આવે છે જેમ હાલ એકબીજાના વિચાર મળે છે કે કેમ એવું જોવામાં આવી રહ્યું છે. કેજરીવાલ પર અમને ભરોસો છે માટે અમે આમ આદમી પાર્ટી જોડે ગઠબંધન કરવા જઈ રહ્યા છે.

