ગુજરાતના ખેડૂતો માટે માઠા વાવડ સામે આવ્યા છે. તા.20 અને 21 એપ્રિલના રોજ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આ માવઠું ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર તથા બનાસકાંઠા પંથકમાં પડી શકે છે. જ્યારે દાહોદ તથા વડોદરામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. જ્યારે બુધવારથી આગામી 24 કલાક દરમિયાન કંડલામાં ભયંકર હીટવેવ ફૂંકાય એવી શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હવમાનમાં પલટો આવશે.
બુધવારથી જ વાતાવરણમાં એક પ્રકારનો પલટો જોવા મળી શકે છે. જો રાજ્યમાં માવઠું પડ્યું તો રાજ્યના તાપમાનમાં ઘટાડો થઈ શકે છે. જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતું હશે તો ઉકળાટ અને બફારો વધવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત માવઠાને કારણે કેરીના પાકને નુકસાન થઈ શકે છે. આ વખતે આમ પણ કેરીની સીઝન મોડી શરૂ થવાની છે એવામાં જો વરસાદ પડ્યો તો કેરી ચાખવા પૂરતી જ જોવા મળશે. જોકે, આ વખતે અથાણાની કેરીનો ભાવ પણ ગત સીઝન કરતા ઘણો વધારે છે. મોંઘવારીનો માર આપતી કોમોડિટીમાં હવે કેરીનો પણ સમાવેશ થઈ ગયો છે. એવામાં જો વાતાવરણનો માર પડ્યો તો આ વખતે કેરીનો પાક ધોવાશે એ નક્કી.

આ સિવાય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે સમગ્ર રાજ્યમાં ટાઢોળું અનુભવાશે. જ્યારે દરિયાકિનારાની નજીક રહેલા શહેરમાં ભેજનું પ્રમાણ વધશે. એટલે ગરમી ઓછી લાગશે. પરંતુ, અમદાવાદ જેવા શહેરમાં તડકો ન હોવા છતાં બફારો શરૂ થઈ ગયો છે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં થંડર સ્ટ્રોમની અસર અનુભવાશે. અમદાવાદ સહિત રાજ્યના ચારેય મહાનગરમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, રાજકોટ, કંડલા, ભાવનગર અને અમરેલીમાં તાપમાનનો પારો 41 ડિગ્રીથી પણ ઉપર રહ્યો હતો. રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદ થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. ગુરૂવારે અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત પંથક અને દક્ષિણ ગુજરાત પંથકમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. માવઠાની સાથોસાથ રાજ્યમાં 30થી 40 કિમીની ગતિથી પવન પણ ફૂંકાશે. રાજ્યમાં ચામડા બાળતી ગરમી વચ્ચે હવામાન પલટાય એવ સ્થિતિ ઊભી થઈ છે. હવામાન ખાતાના એક રીપોર્ટ અનુસાર રાજ્યના જિલ્લાઓ એવા બનાસકાંઠા, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ગોધરા, દાહોદ, ભરૂચ, વડોદરા, અમરેલી, ભાવનગર તથા સુરેન્દ્રનગરમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે સાબરકાંઠા, ભાવનગર, બોટાદ, ઉપલેટામાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે.

