ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી હત્યાના કેસ વધી રહ્યા છે. એવામાં ગાંધીનગર મહિલા કોન્સ્ટેબલે અચાનક નર્મદા કેનાલમાં કુદકો મારીને આત્મહત્યા કરી છે. આ કેસને લઈને પોલીસ વિભાગમાં ખાસ કરીને ગાંધીનગર પોલીસમાં ખળભળાટ મચી ગયો છે. આત્મહત્યા કરવા પાછળનું કારણ હજુ સુધી સામે આવ્યું નથી. કોઈ કારણોસર મહિલાએ કેનાલમાં કુદીને જીવન ટૂંકાવી દીધું છે. મહિલાએ શા માટે આવું પગલું ભર્યું, આ પાછળ કોઈ વ્યક્તિની ઉશ્કેરણી છે કે નહીં એ અંગે ગાંધીનગર પોલીસ તપાસ કરી રહી છે.
ગાંધીનગર પોલીસમાં ડ્યૂટી કરતા નિશા ગુર્જરે અડાલજ પાસે ઝુંડાલ નજીક નર્મદા કેનાલમાં આત્મહત્યા કરી લીધી છે. LIB ફરજ અદા કરતા હતા. આ ઘટનાની જાણ પોલીસ વિભાગમાં થતા અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. તપાસકર્તા અધિકારી એમના પરિવારજનોની પૂછપરછ કરી રહ્યા છે. સવાલ એ થાય છે કે, શું એમને કોઈ માનસિક રીતે હેરાન કરવામાં આવી રહ્યા હશે. પોલીસ વિભાગમાં કોઈ સાથે તકરાર થઈ હશે. કે પછી કોઈ પારિવારિક કે સામાજિક મુશ્કેલી? આત્મહત્યાના કેસ ઉકેલનાર પોલીસ જ્યારે આત્મહત્યાનું પગલું ભરે ત્યારે અનેક મુદ્દાઓ નજર સામે તરવરવા લાગે છે. અડાલજ પોલીસે આ અંગે ગુનો નોંધીને કાયદેસરની તપાસ શરૂ કરી દીધી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયો છે. આ કેસમાં પોલીસને હજુ સુધી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. પોલીસે મહિલા પોલીસનો ફોન કબજે કરીને તપાસ શરૂ કરી દીધી છે. દીકરીએ આ પ્રકારનું પગલું ભરતા એમના પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. ઘરમાં માતમનો માહોલ છે. પરિવારજનો ચોધાર આંસુએ રડી રહ્યા છે. માતા પિતા કોઈ કારણ જણાવી શકે એમ નથી. જ્યારે પોલીસ બેડામાં એમની સાથે રહેલા અન્ય સ્ટાફ અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
આત્મહત્યા અને હત્યાના કેસમાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને આત્મહત્યાના પગલાં સમાજ માટે એક રીસર્ચ વિષય બની રહ્યા છે. ખાસ કરીને હવે જ્યારે બોર્ડના પરિણામ આવશે ત્યારે પોલીસ ખાસ ચોક્કસ પોઈન્ટ પર તહેનાત થઈને આ પ્રકારના કેસ ન બને એ માટે પ્રયાસ કરે છે. જ્યારે પરિણામ જાહેર થવાનું હોય એના 24 કલાક પહેલા પોલીસ ચોક્કસ પોઈન્ટ પર ઊભી રહી જાય છે. જેથી સમાજમાં આત્મહત્યાના કેસ અટકે.

