ગુરુવારે બિહારના ભાગલપુર જિલ્લાના કાજવાલીચકમાં રાત્રે લગભગ 11.30 વાગ્યે બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જેમાં કુલ 7 લોકોનાં મોત થયા છે. આ સિવાય અનેક એવા લોકોને ગંભીર ઈજા પહોંચી છે. આ વિસ્ફોટ એટલો અસરદાર હતો કે આજુબાજુના ચાર મકાનો ધ્વંસ થઈ ગયા હતા. હજુ પણ ઘણા એવા લોકો કાટમાળ નીચે અટવાયેલા છે. વિસ્ફોટની અસર લગભગ 5 કિમી સુધી જોવા મળી રહી છે. વિસ્ફોટ નવીન મંડળ અને ગણેશ મંડળના ઘર વચ્ચે થતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો.
વિસ્ફોટ કોના ઘરની અંદર થયો હતો તે વાત હજુ સુધી સામે આવી નથી. કેટલાક લોકો માને છે આ વિસ્ફોટ આઝાદનાં ઘરમાં થયો છે તો કેટલાક લોકો માને છે નવીનનાં તો કેટલાંકનું કહેવું છે કે ગણેશનાં ઘરમાં આ વિસ્ફોટ થયો છે. લગ્ન માટે ફટાકડા બનાવવાનું કામ આ વિસ્તારમાં થઈ રહ્યું હતું. ઘરમાં રાખેલા ફટાકડા ફૂટ્યા હોવાની પણ આશંકા કરવામાં આવી રહી છે. થોડા દિવસો પહેલા આઈબીએ ભાગલપુર પોલીસને બ્લાસ્ટ થવા મામલે એલર્ટ આપ્યું હતું તેથી આ મામલો હવે પણ શંકાસ્પદ લાગે છે. પોલીસ બોમ્બ બ્લાસ્ટના એંગલથી પણ તેની તપાસ કરી રહી છે. જોકે ખાસ કોઈ કડી હજુ સુધી મળી નથી.

ભાગલપુરની માયાગંજ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તની સારવાર ચાલું રહી છે. પોલીસ કાફલો ઘટનાની જાણ થતા સ્થળે પહોંચી ગયો હતો. ધરાશાયી થયેલા મકાનોનો કાટમાળ દૂર કરીને માણસોને બચાવવા માટે પ્રયાસ ચાલું કરી દેવામાં આવ્યા છે. હાજર રહેલા પાડોશી બ્લાસ્ટ વખતે નિર્મલ સાહ ઉર્ફે લડ્ડુએ જણાવ્યું કે પરિવારના તમામ સભ્યો ભોજન કર્યા બાદ ઘરમાં સૂઈ રહ્યા હતા. તે પણ ઘરની બહાર બેઠો હતો ત્યારે જોરદાર વિસ્ફોટ થયો છે. જેના કારણે એક આખું મકાન પડી ગયું હતું. વિસ્ફોટ બાદ લોકો જોવા માટે ઘરમાં પ્રવેશ્યા કે તરત જ ઘર પડવા લાગ્યું હતુ.પરિવારના સભ્યો કાળમાળ નીચે દબાઈ ગયા હતા. વધારે પડતો ધુમાંડો થવાને કારણે કંઈ દેખાતું ન હતું..આ ઘટના બાદ આખા વિસ્તારમાં ભયનો માહોલ છે. ક્યાંક આખી છત તૂટી છે તો ક્યાંક આખી બારી ધ્વંસ થઈ ચૂકી છે. શેરીમાં મકાન કરતા કાળમાળ વધારે નજરે ચડે છે.

એવું માનવામાં આવે છે કે, બોંબ બનાવવા માટે કામ ચાલું હતું એના કારણે બ્લાસ્ટ થયો છે. અત્યાર સુધીમાં કુલ પાંચ વ્યક્તિઓના મૃતદેહ મળી આવ્યા છે. ફટાકડાની સામગ્રીમાં વિસ્ફોટ એ કારણ હોઈ શકે છે. પણ હજુ સુધી સચોટ કારણ સામે આવ્યું નથી. આ સિવાય ઘરમાં પણ વિસ્ફોટક સામગ્રી રાખેલી હોવાનું હાલ તો અનુમાન છે. બોંબ ડિસ્પોઝલ ટીમ તથા પોલીસ ટીમ હાલ આ વિસ્તારનું ઈન્વેસ્ટીગેશન કરી રહી છે.

