રાજકોટમાંથી ભાજપના ધારાસભ્યએ પોલીસની વિરૂદ્ધમાં એક લેટરબોંબ ફોડ્યા બાદ વધુ એક ભાજપ નેતાની ટ્વિટથી ખળભળાટ મચી ગયો છે. તેમણે દેશમાં ભ્રષ્ટાચાર બાબતે કોઈ પણ વ્યક્તિનું નામ લીધા વગર પ્રશ્નો ઊઠાવ્યા છે. અમરેલી ભાજપના નેતા ભરત કાનાબારે પ્રશ્ન કરતા લખ્યું હતું કે, 75 વર્ષમાં આપણે ભ્રષ્ટાચાર બાબતે વધારે ઉદાર બન્યા. આ વાત તેમણે વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ટ્વિટ કરી છે.
આ પહેલા પણ કાનાબારે દેશની જુદી જુદી કોર્ટમાં પડેલા પેન્ડિગ કેસ અને ખાલી પડેલી જજની જગ્યાઓને લઈને પ્રશ્નો ઊઠાવ્યા હતા. ડૉ.કાનાબારે એક ટ્વિટ કરીને દેશની જુદી જુદી કોર્ટમાં પેન્ડિંગ રહેલા કેસના આંકડા જાહેર કરતા લખ્યું હતું કે, જો દેશમાં નવો કેસ ન નોંધાય તો પણ જે પેન્ડિગ કેસ છે એના નિકાલ માટે 360 વર્ષ લાગી જાય. ડૉ. કાનાબારે ટ્વિટ કરીને વડાપ્રધાન મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ તથા કેન્દ્રીય મંત્રી મિનાક્ષી લેખીને ટેગ કર્યું હતું. ડૉ. ભરત કાનાબારે સમયાંતરે કેન્દ્ર અને રાજ્ય સરકારની સામે અસરકારક મુદ્દાઓને લઈને સવાલ ઊઠાવ્યા છે. આઝાદીના 75 વર્ષમાં ભ્રષ્ટાચાર બાબતમાં આપણે વધારે ઉદાર બન્યા છીએ. ફલાણા નેતાએ/ અધિકારીએ ખૂબ માલ બનાવ્યો. એવી વાત અહોભાવ સાથે કરીએ છીએ. જાહેરમાં ઊંચા કોલર રાખીને કરપ્શન કરનાર ફરી શકે છે. આવા લોકોને આપણે આપણા કાર્યક્રમોમાં બોલાવીને હારતોરા કરીએ છીએ. જોકે, એમની આ ટ્વિટ સામે ભાજપના કોઈ નેતાએ કોઈ પ્રકારની ચોખવટ કરી નથી. જોવાનું એ રહે છે કે, ભાજપના કયા મોટા કદના નેતા આ અંગે પ્રતિક્રિયા આપે છે.
આઝાદીના ૭૫ વર્ષમાં ભ્રષ્ટાચાર બાબતમાં આપણે વધુ ઉદાર બન્યા છીએ.
— Dr. Bharat Kanabar (@KANABARDr) February 15, 2022
“ફલાણા નેતાએ/અધિકારીએ ખુબ માલ બનાવ્યો” એવી વાત અહોભાવ સાથે કરીએ છીએ.
કરપ્શન કરનાર પણ જાહેરમાં ઊંચા કોલર રાખી ફરી શકે છે. ઉલ્ટાનું આપણે તો તેને આપણા કાર્યક્રમોમાં બોલાવી હારતોરા કરીએ છીએ.@narendramodi @Bhupendrapbjp pic.twitter.com/SpbUg4AEa9
એક બાજુ રાજકોટ ભાજપના નેતા ગોવિંદભાઈએ પોલીસ સિસ્ટમ સામે લેટરબોંબ ફોડીને રાજકીય ખળભળાટ મચાવ્યો હતો. એ પછી અમરેલી ભાજપમાંથી નેતા ભરત કાનાબારે આ વાત કહી છે. જેના કારણે અમરેલીથી રાજકોટ સુધીના રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે. રાજકીય લોબીમાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે. જોકે હાલ કોઈ નેતાએ આ અંગે વાત કહી નથી. જોકે, સિસ્ટમમાં ભ્રષ્ટાચારની વાત શાસક પક્ષના નેતા જ કરી રહ્યા છે ત્યારે પક્ષ અને સિસ્ટમમાં અંદરખાને જુથવાદ થઈ રહ્યો હોવાની ચર્ચાએ રાજકોટમાં જોર પકડ્યું છે.

