રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિ.નો આજે 56મો પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત વર્ચ્યુઅલ જોડાયા હતા. તેમજ શિક્ષણમંત્રી જીતુ વાઘાણી અને રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી કુબેર ડીંડોરા રાજકોટમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમારોહમાં જામનગરની એમ.પી. શાહ કોલેજનો દબદબો રહ્યો હતો. જેમાં કોલેજની વિદ્યાર્થીનીએ અધધ 8 ગોલ્ડ મેડલ સાથે અવ્વલ રહી હતી.
એમ.પી. શાહ કોલેજની છાત્રા ખુશીએ એમબીબીએસના અભ્યાસમાં તમામ વિષયોમાં સૌથી વધારે માર્ક્સ મેળવીને પ્રથમ સ્થાન મેળવ્યું હતું. જેમાં તેમણે સૌથી વધારે માર્ક્સ સર્જરી અને મેડિસીન વિષયમાં મેળવ્યાં છે. તેમજ વર્તમાનમાં તે અભ્યાસ પુરો કરીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં ઈન્ટર્નશીપ કરી રહી છે. 8 ગોલ્ડ મેડલ મેળવવાની આ સફરમાં સારા ગુણ મેળવવામાં માતા-પિતા, શિક્ષકો અને પરિવારજનોનો સહયોગ અને પ્રેરણા પુરી પાડતા આ સિદ્ધિ મેળવી હોવાનું જણાવ્યું છે.
સૌરાષ્ટ્ર યુનિ.ના પદવીદાન સમારોહમાં 108 વિદ્યાર્થીઓને 127 ગોલ્ડ મેડલ આપવામાં આવ્યાં છે. જેમાં વિદ્યાર્થીઓને રૂપિયા 1500નો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. આ વર્ષે શિક્ષણમંત્રી જીતુ વાઘાણી, રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોરા, યુનિવર્સિટીના કુલપતિ, ઉપકુલપતિ સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ રૂપિયા 2600ની કિંમતની 35થી વધુ કોટી સિવડાવીને રૂપિયા 90 હજારનું આંધણ કર્યું હતું.