ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનો કહેર વર્તાય રહ્યો છે. લોકોની સાથોસાથ સરકારમાં રહેલા મંત્રીઓ પણ હવે પોઝિટિવ આવ્યા છે. મંત્રીમંડળને પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે એવું કહેવામાં કંઈ ખોટું નથી. હાલ જે બે મંત્રીઓના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે એમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ અને મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીનો સમાવેશ થાય છે. રાજેન્દ્ર ત્રિવેદીને યુએન મહેતા હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે.

જ્યાં એમની સારવાર ચાલી રહી છે. કોરોના વાયરસથી સંક્રમીત થયા બાદ બંને નેતાઓ અમદાવાદ શહેરની યુએન મહેતા હોસ્પિટલમાં એડમીટ થયા છે. હોસ્પિટલના સિનિયર ડૉક્ટરની દેખરેખમાં બંને સિનિયર નેતાઓની ટ્રિટમેન્ટ ચાલું કરી દેવામાં આવી છે. હાલમાં બંને નેતાઓની તબિયત સારી છે. સાવધાનીના ભાગરૂપે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવ્યા છે. ગત રવિવારે કૃષિમંત્રી રાઘવજી પટેલનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સંક્રમીત થયા બાદ તેઓ ધ્રોલ પોતાના નિવાસ સ્થાને હોમ આઈસોલેટ થઈ ગયા હતા. એ પછી સવારે અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં એડમીટ કરી દેવાયા હતા. વિશેષ કાળજી તથા સારવાર માટે અમદાવાદ લઈ જવાયા છે. એમની તબિયત સારી છે એવું પુત્ર જયેન્દ્ર પટેલે કહ્યું હતું. અત્યાર સુધીમાં ગુજરાત રાજ્ય સરકારના મંત્રી નિમિષા સુથાર, હર્ષ સંઘવી, આર.સી. મકવાણા, બ્રિજેશ મેરજા, જીતુ ચૌધરી, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર જેવા નેતાઓ કોરોના વાયરસથી ઈન્ફેક્ટેડ થઈ ગયા છે. આ સિવાય કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે.

જેમાં વિક્રમ માડમ, અનિલ જોશીયારા અને પ્રતાપ દૂધાતનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં કુલ 11 લાખ 7 હજાર 749 દર્દીઓના રીપોર્ટ પોઝિટિવ આવ્યા છે. ત્રીજી વેવમાં ન માત્ર મહાનગર પણ જિલ્લાઓમાંથી પણ કેસ વધી રહ્યા છે. જોકે, હવે ધીમે ધીમે લોકોને બુસ્ટર ડોઝ આપવા માટેની શરૂઆત થઈ ચૂકી છે. હાલમાં સિનિયર સિટિઝનને આ ડોઝ આપવામાં આવી રહ્યો છે. એ પછી ફ્રન્ટલાઈન વર્કસને આપવા માટે એક ખાસ રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે.

