પાણી પૂરીએ સૌરાષ્ટ્રવાસીઓમાં પ્રિય છે ખાસ તો મહિલાઓમાં પાણી-પૂરીનું આકર્ષણ કાયમી રહ્યું છે. સૌરાષ્ટ્રના પાટનગર સમાન રંગીલા રાજકોટમાં થોડા વર્ષો પહેલા સળગતા પાને રાજકોટવાસીઓમાં ભારે ચર્ચાનું કેન્દ્ર બન્યું હતું હવે તેમાં સળગતી પાણીપૂરી પણ ઉમેરાઈ છે સ્વાદ રસિકો અલગ અલગ સ્થળેથી આ ફાયર પાણી પુરીનો સ્વાદ માણવા આવી રહ્યા છે. કાશ્મીરાબેન રાઠોડ ફાયર પાણીપૂરી બનાવે છે. કાશ્મીરાબેનની કપૂરવાળી પાણીપૂરીએ આગ લગાવી છે અને કડકડતી ઠંડીમાં રાજકોટવાસીઓને સળગતી પાણીપૂરી ખાવાનું ઘેલું લાગ્યું છે.

સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો
રાજકોટની સ્વાદપ્રિય લોકો માટે જીવન માંગલીય ટ્રસ્ટ દ્વારા રેસકોર્સના બાલભવનમાં ધરામિત્ર આહાર-આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળામાં ખાન-પાનની જુદી જુદી વાનગીઓ અને એને બનાવવા માટેના ઓર્ગેનિક ચીજવસ્તુઓના વેચાણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાની વિશેષતા એ હતી કે સળગતી પાણીપૂરીનો સ્વાદપ્રેમી જનતાએ ભરપૂર લાભ લીધો હતો.
સળગતી પાણીપૂરી બનાવતાં કાશ્મીરાબેન રાઠોડે જણાવ્યું હતું કે હું ઘણા સમયથી સૌરાષ્ટ્રભરમાં યોજાતા મેળાઓમાં ખાસ પાણીપૂરી સ્ટોલ રાખું છું. કંઇક નવું આપવાની મહેચ્છાથી સળગતી પાણીપૂરી 7 જાન્યુઆરીથી યોજાયેલા આ મેળામાં શરૂઆત કરી હતી. આ પાણીપૂરીમાં બટાટાં, ચણા, દહીં, લાલ-લીલી ચટણી, બુંદી, ગુલકંદ સહિતની ચીજવસ્તુઓ નાખવામાં આવે છે.
આ ફાયર પાણીપૂરી ખાનારી વ્યક્તિના મોંમાં મૂકવામાં આવે છે, પરંતુ તેને કોઇ દાઝી જવા જેવી કોઇ અસર થતી નથી. 7 જાન્યુઆરીથી ત્રણ દિવસના આ મેળામાં ફાયર પાણીપૂરીની અનેક લોકોએ મોજ માણી હતી અને તેમાં સૌથી વધુ બહેનો હતી.

